નાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ
વાશિગ્ટન, નાસાના સોલાર પ્રોબ પાર્કરે નવો ઈતિહાસ રચ્યો છે. સાંજે ૫ઃ૧૦ વાગ્યે અમેરિકન સ્પેસ એજન્સીનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીકથી પસાર થયું હતું. મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ આ પહેલું અવકાશયાન છે જે સૂર્યની આટલી નજીક પહોંચ્યું છે.
નાસાના જણાવ્યા અનુસાર સૂર્યથી અવકાશયાનનું અંતર માત્ર ૬૧ લાખ કિમી હતું. આ પહેલા સૂર્યની સૌથી નજીક જતું અવકાશયાન લગભગ ૪૩ મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું. પાર્કર તેના કરતા લગભગ ૭ ગણું નજીક ગયું હતું.પૃથ્વીથી સૂર્યનું અંતર અંદાજે ૧૫ કરોડ કિલોમીટર છે, અત્યારસુધી વિશ્વમાં શરૂ કરાયેલા તમામ સૂર્ય મિશન સૂર્યથી કરોડો કિલોમીટર દૂરથી તેના રહસ્યો શોધી રહ્યા છે.
અત્યારસુધીના સૂર્ય મિશનના ઇતિહાસમાં, તારાની સૌથી નજીક જતું અવકાશયાન નાસાનું હેલિયોસ-૨ હતું, જે ૧૯૭૬માં સૂર્યથી લગભગ ૪૩ મિલિયન કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું.આજે જ્યારે નાસાનું આ અવકાશયાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું ત્યારે તેની ઝડપ ૬ લાખ ૯૨ હજાર ૧૭ કિલોમીટર પ્રતિ કલાક હતી, જે ૧૯૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ કરતાં પણ વધુ છે.
નાસાનો દાવો છે કે અત્યારસુધી બનાવવામાં આવેલ કોઈપણ માનવીય પદાર્થની સરખામણીમાં તેની ઝડપ સૌથી વધુ છે. જે એક નવો રેકોર્ડ પણ છે.
નાસાના જણાવ્યા અનુસાર, અત્યારસુધી કોઈ અવકાશયાન કોઈ પણ તારાની નજીકથી અને આટલી ઝડપે પસાર થયું નથી.નાસા અનુસાર, આ અવકાશયાન ૧૩૭૧ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે, જ્યારે તે સૂર્યની નજીકથી પસાર થયું ત્યારે તેનું તાપમાન લગભગ ૯૮૨ ડિગ્રી સેલ્સિયસ એટલે કે, ૧૮૦૦ ફેરનહીટની આસપાસ હતું.
આ મિશન આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહેશે. સૂર્યના આ વિસ્તારને પેરિહેલિયન કહેવામાં આવે છે. અત્યારસુધી આ અવકાશયાન ૨૧ વખત સૂર્યની આસપાસ પરિક્રમા કરી ચૂક્યું છે, પરંતુ પહેલીવાર તે આટલું નજીક આવ્યું છે.
સૂર્ય હાલમાં સૌથી વધુ સક્રિય છે, જેને સૌર મહત્તમ કહેવાય છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આ વાહન સૂર્ય વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકે છે, જો કે, આ વાહન તુરંત જ આ માહિતી નાસાને મોકલી શકશે નહીં.
કારણ કે, હાલમાં તે નાસા સાથે સંપર્કથી બહાર છે. સૂર્યનું વાતાવરણ છોડતાની સાથે જ તે ૨૭ ડિસેમ્બરે ફરી એકવાર નાસા સાથે સંપર્ક સ્થાપિત કરશે અને ત્યારબાદ માહિતી મોકલશે.SS1MS