ભિક્ષુક ગૃહ ઓઢવ ખાતે યોજાયો ‘નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ’
‘નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિવસ’ નિમિત્તે ભિક્ષુક ગૃહ ઓઢવ ખાતે યોજાયો ‘નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ’
‘નશામુકત અમદાવાદ જિલ્લો જવાબદારી આપણા સૌની’ થીમ સાર્થક કરવા પર પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી
નશાકારક પદાર્થો લેવાથી થતી શારીરિક અને માનસિક અસરો વિશે વિસ્તૃત સંવાદ તથા નશાના દૂષણથી દૂર રહેવા પ્રતિજ્ઞા તથા રેલી કાર્યક્રમનું આયોજન
અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા નશાકારક પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિવસ નિમિત્તે આજે ભિક્ષુક ગૃહ ઓઢવ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત કાર્યક્રમમાં પ્લેકાર્ડ દ્વારા સુત્રોચાર કરી તેમજ પરિસંવાદ, વર્કશોપ અને સંસ્થામાં આશ્રય લઈ રહેલા અંતેવાસીઓને નશાના માદક દ્રવ્યોથી દૂર રહેવા તથા તેઓની આસપાસ રહેતા લોકોને પણ આ દુષણથી દૂર રાખવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોલા હોસ્પિટલ, અમદાવાદ જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમના શ્રી એન. જે. સોનારા (ક્લિનિકલ સાયકોલોજીસ્ટ) દ્વારા નશાકારક પદાર્થોની શરીર પર અને મન પર થતી અસરો વિશે વિસ્તૃત સંવાદ કરી અંતેવાસીઓને પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.
સ્થળ ઉપર ઉપસ્થિત સ્ટાફ સાથે રહીને સૌ કોઈએ ‘નશામુક્ત અમદાવાદ જિલ્લો જવાબદારી આપણા સૌની’ થીમ સાર્થક કરવા પ્રતિબંધતા દર્શાવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એચ. એમ. પરમાર, દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા ભિક્ષુક ગૃહ ઓઢવના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમાજ સુરક્ષા વિભાગના અન્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતા.