નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસઃ વિમેન્સ મેઇન ડ્રોમાં ક્રિત્વિકા ગુજરાતના આક્રમણની આગેવાની લેશે
વડોદરા વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં બુધવારે ભારતની નંબર 12 તથા ગુજરાતની મોખરાની ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે વિમેન્સ સિંગલ્સમાં મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો. આમ તે ગુજરાતના આક્રમણની આગેવાની લેશે.
અર્જુન એવોર્ડ વિજેતા તથા સુરતના ફેવરિટ ખેલાડી હરમિત દેસાઈની પત્ની તથા 29 વર્ષીય ક્રિત્વિકા 2021થી ગુજરાત માટે રમી રહી છે અને ત્યારથી તે રાજ્યની વિવિધ સ્પર્ધામાં વર્ચસ્વ જમાવી ચૂકી છે. તે આ ટુર્નામેન્ટના ગ્રૂપ-4માં ટી. લક્ષ્મી (તેલંગાણા) તથા હાર્દી પટેલ (મહારાષ્ટ્ર-બી)ને પાછળ રાખીને મોખરે રહી હતી.
રોયની સાથે ભારતની નંબર-19 તથા સુરતની ફ્રેનાઝ છિપીયા પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ફ્રેનાઝે અત્યંત મહત્વની ક્વોલિફાઈંગ મેચમાં અનુભવી ખેલાડી નિખાત બાનુ (આરબીઆઇ)ને હરાવી હતી.
મેન્સ વિભાગમાં તમામ આશાઓ ગુજરાતના ત્રીજા ક્રમના સોહમ ભટ્ટાચાર્ય પર રહી હતી તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં આસાન વિજય હાંસલ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતના જયનિલ મહેતા, સ્થાનિક ખેલાડી જલય મહેતા તથા અક્ષિત સાવલાએ પણ મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.
અગાઉ બંગાળના પુનિત બિશ્વાસે તામિલનાડુના ઉમેશ કુમાર સામે એક ગેમ પાછળ રહેવા છતાં શાનદાર વિજય હાંસલ કરીને અંડર-15 ટાઇટલ જીત્યું હતું.
સુભનક્રિતા દત્તા (એનસીઓઇ)એ ગર્લ્સ અંડર-15 ટાઇટલ જીત્યું હતું જેની ફાઇનલમાં તેણે દિલ્હીની સાયાનિકા માજિને 4-0થી હરાવી હતી.
ફાઇનલના પરિણામોઃ
બોયઝ અંડર-15
પુનિત બિશ્વાસ જીત્યા વિરુદ્ધ ઉમેશ કુમાર 4-2 (7-11,11-7,5-11,11-5,11-9,11-8); ગર્લ્સ અંડર-15
સુભનક્રિતા દત્તા જીત્યા વિરુદ્ધ સાયાનિકા માજિ 4-0 (11-8,11-6,11-6,11-9).