Western Times News

Gujarati News

૧૦૦ થી વધુ કૅન્સર સામે લડી વિજેતા બનેલા દર્દીઓને એવોર્ડ આપીને સન્માનિત કરાયા

અમદાવાદમાં ધી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ

ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ભારતમાં કેન્સરના નિદાન અને સારવારના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે ૨૦૧૪થી દર વર્ષે ૭મી નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ અંતર્ગત અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ધી ગુજરાત કૅન્સર  એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા ‘શક્તિ, આશા અને જીત –  કૅન્સર વિજેતાઓને સલામ’ થીમ પર રાષ્ટ્રીય  કૅન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્ર્મને સંબોધતા જીસીઆરઆઈ (GCRI) ના ડિરેક્ટર શ્રી ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે, ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બધા જ કેન્સરમાં જો શરૂઆતથી નિદાન કરવામાં આવે તો તેનો ફાયદો દર્દીને જરૂર મળતો હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, કેન્સરના દરેક દર્દીઓએ મક્કમ મનોબળ સાથે પોતાનું જીવન જીવવું જોઈએ. આજે એવા ઘણા બધા ઉદાહરણ છે, જેમને કેન્સર સામે વિજય પણ મેળવ્યો છે. એવા જ કેટલાક દર્દીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે. એટલું જ નહીં ઘણા દર્દીઓ આજે કેન્સર ને માત આપીને સામાન્ય જીવન પણ જીવી રહ્યા છે.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા એ કહ્યું કે, આજે મારા જીવનમાં પહેલો એવો આ અવસર છે જ્યાં હું એક સાથે આટલા બધા કેન્સર વિજેતા દર્દીઓને જોઈ રહ્યો છું. ૧૦ થી ૧૫ વર્ષ કરતાં વધુ કેન્સરના સર્વાયર દર્દીઓ તેમજ કેન્સરને માત આપી ચૂકેલા દર્દીઓને એક સાથે એક મંચ ઉપર લાવવા એક સહરાનીય પહેલ ધી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે, ધી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં માત્ર અમદાવાદ કે તેના આજુબાજુ વિસ્તારના લોકો જ નહીં પણ બિહાર, ઉત્તરપ્રદેશ તેમજ દેશના અનેક રાજ્યોના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે. આ દર્દીઓને અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ કાર્યક્રમની ખાસ વાત એ પણ હતી કે,  કૅન્સર સામે લડીને જીતી ચૂકેલા લોકો (દર્દીઓ)એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. ૧૦ વર્ષથી વધુ સમયથી કૅન્સર સામે લડી રહેલા ૧૦૦ થી વધુ કેન્સર વિજેતાઓએ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય જેવી તમામ જવાબદારીઓ સંભાળી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ૨૦ થી વધુ કેન્સર વિજેતાઓએ પોતાના કૅન્સર વિજયની વાત લોકો સાથે શેર કરી હતી. જેમાં તેમણે ભાવનાત્મક, સામાજિક અને આર્થિક સંઘર્ષનો સામનો કેવી રીતે કર્યો તે વિશે ચર્ચા કરી અને કેવી રીતે આ તમામ મુશ્કેલીઓને જીતતાં આગળ વધ્યા તેની જાણકારી લોકો સમક્ષ મુકી હતી.

આ અવસરે દરેક કૅન્સર વિજેતાઓને તેમના સાહસ માટે એક મોમેન્ટો આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે બધાએ મળીને આકાશમાં બલૂનો છોડીને કૅન્સર વિરુદ્ધ લડાઈ માટે જાગૃતિ અને એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ ખાસ દિવસે કૅન્સર વિજેતાઓની શક્તિ અને એકતાનું ઉદાહરણ જોવા મળ્યું અને આશા, હિંમત, અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

આ અવસરે કુલ ૧૦૦ થી વધુ કૅન્સર વિજેતાઓ જેમણે ૧૦ વર્ષથી વધુ સમયથી કૅન્સર સામે જીત મેળવી છે તેવા કેન્સર વિજેતાઓ ઉપસ્થિત હતા.(જેમાં તેમને સ્તન કૅન્સર, ગર્ભાશયનું કૅન્સર, મોંનું કૅન્સર, અન્નનળીનું કૅન્સર, ફેફસાનું કૅન્સર, લ્યુકેમિયા, મલાશયનું કૅન્સર, મગજનું કૅન્સર, હાડકાંનું કૅન્સર, અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે.)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.