નેશનલ ગેમ્સ પહેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો સંચાર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ
વિદ્યાર્થીઓની શપથથી ગૂંજી ઉઠ્યું અમદાવાદની વિદ્યાનગર સ્કુલનું પરિસર, DCP, મુખ્ય મથક શ્રી કાનન દેસાઈએ લેવડાવ્યા ‘ફીટ ઈન્ડિયા’ના શપથ
36મી નેશનલ ગેમ્સના આયોજનમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો 36 ગેમ્સમાં ભાગ લેવાના છે. જુડેગા ઈન્ડિયા, જીતેગા ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવા માટે યજમાન ગુજરાતના અમદાવાદ શહેરમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને નેશનલ ગેમ્સમાં સહભાગી બનવા માટે અમદાવાદ શહેર પોલીસે નવતર પહેલ કરી છે. વિદ્યાર્થીઓ વચ્ચે જઈને અભ્યાસની સાથો-સાથ તેઓ રમત-ગમતક્ષેત્રમાં પણ અવ્વલ બને તે માટે અમદાવાદ શહેરના ઉસ્માનપુરા સ્થિત વિદ્યાનગર સ્કુલ ખાતે ખાસ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
શાળાના અલગ-અલગ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાયબ પોલીસ કમિશ્નર, મુખ્યમથક શ્રી કાનન દેસાઈએ જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથોસાથ રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ બનવું જોઈએ. રમત-ગમતમાં ભાગ લેવાથી લીડરશીપ, યુનિટી, ટીમ સ્પિરીટ સહિતના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસે છે. ખેલકૂદ માત્ર મનોરંજન પૂરતું સિમિત નથી પણ તાલીમબદ્ધ રમત તમને સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામમાં પણ મદદરૂપ થાય છે.
વિદ્યાર્થીઓને સપ્તાહમાં અમુક દિવસો માટે તો શારીરિક તાલીમ આપવામાં આવે જ છે, પરંતુ આ પ્રકારના રાષ્ટ્રીય કક્ષાનું આયોજન અમદાવાદમાં થતુ હોય ત્યારે વિદ્યાર્થીઓ તેમાં સક્રિય થાય તે ખૂબ જરૂરી છે. તેમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેક કપાસીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે હાજર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત શાળાના સ્ટાફને ‘ફીટ ઈન્ડિયા’ના શ્રી કાનન દેસાઈએ શપથ લેવડાવ્યા હતા. તે વેળાએ સમગ્ર પરિસરમાં શપથના શબ્દો ગૂંજી ઉઠતા વાતાવરણમાં અનોખી ઉર્જા વ્યાપી ગઈ હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો, રમત-ગમતના કોચ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.