પશુપાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કાર્ય બદલ રાજ્યની કામધેનુ યુનિવર્સિટીને “રાષ્ટ્રીય ભારત પશુસ્વાસ્થ્ય-૨૦૨૨ એવોર્ડ” એનાયત
રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની વધુ એક સિદ્ધિ -રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાં હસ્તે કામધેનુ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ નવી દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકાર્યો
કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગના સહયોગથી તેમજ ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર ટુડે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હી ખાતે ગત તા. ૬ અને ૭ જુલાઈના રોજ બે દિવસીય ‘ભારતીય પશુ સ્વાસ્થ્ય સમીટ-૨૦૨૨’નું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું.
પશુપાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણમાં શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ કામધેનુ યુનિવર્સિટીએ દિલ્હી ખાતે આ અવોર્ડ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી ડૉ. એસ.પી. સિંહ બધેલની ઉપસ્થિતીમાં યોજાયેલ સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાં વરદ હસ્તે કામધેનુ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. એન. એચ. કેલાવાલાએ એવોર્ડ સ્વીકાર કર્યો હતો.
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા પશુપાલન ક્ષેત્રે કરવામાં આવી રહેલા ઉમદા કાર્ય થકી “એનિમલ હેલ્થ એવોર્ડ-૨૦૨૨” મેળવવા બદલકૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિસ્તરણ ક્ષેત્રનાં પ્રયાસોને બિરદાવીને કામધેનુ યુનિવર્સિટીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ સમારોહમાં પશુસ્વાસ્થ્ય આહાર નીતિ,પશુ સ્વાસ્થ્ય ક્ષેત્રે વ્યવસાય લક્ષી વાતાવરણ અને રોકાણની તકો,પશુસ્વાસ્થ્ય સંચાલન ક્ષેત્રે નવીન અભિગમ જેવા વિવિધ વિષયો ઉપર પેનલમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુસ્વાસ્થ્ય સંલગ્ન ક્ષેત્રોમાંઉત્તમ યોગદાન આપતીદેશની વિવિધ સંસ્થાઓનેપુરસ્કૃત કરવામાં આવી હતી.
જેમાં ગુજરાતની કામધેનુ યુનિવર્સિટીને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઢબ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપવા બદલ “લીડરશીપ ઇન્ડીયા એનિમલ હેલ્થ એવોર્ડ-૨૦૨૨” એનાયત કરવામાં આવ્યો હતો.
કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. એન. એચ. કેલાવાલાએ આ સમારોહમાં કામધેનુ યુનિવર્સિટીની પશુસ્વાસ્થ્ય માટે ગુજરાતની પોલિસી અને તેની ભૂમિકા વિષય પર સવિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના વિચાર રાષ્ટ્રીય ફોરમ લેવલે રજૂ કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાથી ગુજરાત આજે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે.કામધેનુ યુનિવર્સિટી દ્વારા પશુપાલન ક્ષેત્રે વિસ્તરણ શિક્ષણ હેઠળ પશુપાલકો માટે યોજાયેલા કાર્યક્રમો થકી થયેલા વિવિધ સંશોધનો વિશે પશુપાલકોને તાલીમ આપી આર્થિક રીતે સમૃદ્ધ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.
આ એવોર્ડ માટે કામધેનુ યુનિવર્સિટીનાં કુલપતિશ્રી ઉપરાંત વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. એસ. પટેલ તેમજ ડૉ. આર. એસ. ઘાસુરા પણ નવી દિલ્હી ખાતે હાજર રહ્યા હતા.