1729 ‘રામાનુજન – હાર્ડી નંબર’ અથવા ‘ટેક્સી-કેબ’નંબર તરીકે ઓળખાય છે
રાષ્ટ્રીય ગણિત દિવસ: ૨૨મી ડીસેમ્બર: શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી-ગણિત અને ગુણાતીત, વિજ્ઞાન અને ભગવાન બંનેમાં શ્રદ્ધાભાવ જગાડનારા વિદ્વાન શ્રીનિવાસ રામાનુજન
“મારા માટે ગણિતનું કોઇ પણ સૂત્ર ત્યાં સુધી અર્થવિહીન છે જ્યાં સુધી એ પરમેશ્વરનો ખ્યાલ રજુ નથી કરતું” આવું જણાવનારા મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની આજે, ૨૨મી ડીસેમ્બરે જન્મ જયંતી છે. આજના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજનના જીવન કાર્યો અને ગાણિતિક સંશોધનોને સમજવાનો દાખડો કરીએ તો ગણિત અને ગુણાતીત, વિજ્ઞાન અને ભગવાન બંને પર એક સાથે શ્રદ્ધાભાવ જાગે.
મેથેમેટિકલ એનાલિસિસ, કન્ટિન્યુડ ફ્રેક્શન, પ્રાઈમ નંબર્સ, ઇનફાઇનાઇટ સીરીઝ, નંબર થિયરી જેવા ગણિતના પેટાવિષયોમાં અનેક જટિલ સુત્રો અને પ્રમેય આપનાર રામાનુજને તેમની મરણ પથારીએથી લખેલો એક પ્રમેય લગભગ ૧૦૦ વર્ષ બાદ સમજી શકાયો હતો.
આધુનિક અવકાશ-વિજ્ઞાનની નવતર શોધ ‘બ્લેક હોલ’ કે જે અતિ તીવ્ર ગુરુત્વાકર્ષણબળથી પ્રકાશ અને પદાર્થને પોતાનામાં ખેંચી બંનેના માટે મોતના કૂવા સમાન સાબિત થાય છે, તેની થિયરી સમજવા માટે રામાનુજનના ફોર્મ્યુલા (સુત્રો) વિજ્ઞાનીઓને કામે લાગ્યા છે. આ ફોર્મ્યુલા રામાનુજને સો વર્ષ પહેલા લખ્યા હતા જ્યારે બ્લેક હોલનો ખયાલ ઉદ્ભવ્યો પણ ન હતો.
ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ અને રોયલ સોસાયટી લંડનના યુવા ઉમરે ફેલો બનનારા રામાનુજન એકવાર બીમાર પડ્યા. ઇંગ્લેન્ડમાં તેઓના સાથી પ્રોફેસર જી.એચ હાર્ડિ તેઓની ખબર પૂછવા આવ્યા. પ્રોફેસર હાર્ડીએ રામાનુજનને કહ્યું કે હું જેમાં આવ્યો એ ટેક્સીનો નંબર 1729 હતો અને આ નંબર મને ન ગમ્યો.
ત્યારે રામાનુજને કહ્યું કે, દોસ્ત ! આ બહુ જ રસપ્રદ નંબર છે કારણ કે, એ સૌથી નાનો અંક છે જેને જુદી-જુદી બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે જુદી-જુદી રીતથી રજુ કરી શકાય છે. આથી સંખ્યા 1729 ‘રામાનુજન – હાર્ડી નંબર’ અથવા ‘ટેક્સી-કેબ’નંબર તરીકે ઓળખાય છે. (1729 = 1^3 + 12 ^ 3, 1729 = 9^3 + 10^ 3)
દક્ષિણ ભારતના અયંગર બ્રાહ્મણ પરીવારનું સંતાન એવા રામાનુજન નામાગીરી દેવીની નિત્ય પૂજા-આરાધના કરતા. એક અંગ્રેજ મિત્રએ રામાનુજનને પૂછેલું કે, ગણિતના આવા જટિલ સૂત્રો તમને કેવી રીતે સુજે છે.
ત્યારે રામાનુજને કહ્યું કે, ‘આ બધુ મને નામાગીરી દેવી સુજાડે છે’. શ્રીનિવાસ રામાનુજનના જીવન પર જોવા લાયક ફિલ્મ બનેલી છે ‘The man who knew infinity ‘ વ્યક્તિ જે અનંત (ઈશ્વર!!)ને જાણતો હતો. શ્રીનિવાસ રામાનુજનને જન્મજયંતિએ વંદન. (ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ)