અપહરણકારો દ્વારા તબીબ પાસે કબૂલાત કરાવતો વીડિયો વાઇરલ કરાયોઃ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન
અમદાવાદ: અમદાવાદ શહેરના ધરણીધરમાં આવેલી નવકાર હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતાં તબીબ કલ્પેશ નુકમે તેમને વધુ પડતો એનેસ્થેસિયા આપ્યાની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે પાંચથી સાત શખ્સો આ ડોક્ટરનું કારમાં અપહરણ કરી વટવા-નારોલ તરફ લઈ ગયા હતા.
ત્યારબાદ કારમાં બેસાડી અપહરણકારોએ છરીની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી તબીબ પાસે પોતાની જ બેદરકારીથી મહિલા દર્દીનું મોત થયું હોવાની કબૂલાત કરાવતા ત્રણ વીડિયો બનાવ્યા હતા. જા કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશન ટ્રેસ કરી અપહ્યુત તબીબને મુકત કરાવ્યા હતા અને સમગ્ર મામલે સઘન તપાસ આરંભી હતી.
ખાસ કરીને પોલીસે સીસીટીવી ફુજેટના આધારે આ ગુનામાં સંડોવાયેલા પાંચથી સાત આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ધરણીધર વિસ્તારમાં આવેલી નવકાર હોસ્પિટલમાં ગઈકાલે શાહપુરમાં રહેતા રૂખસાનાબાનુ પઠાણ નામની મહિલા સારવાર માટે આવી હતી. જ્યાં તેમને વધારે બ્લિડીંગ થતાં વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેમનું મોત થયું હતું. નવકાર હોસ્પિટલના ડોક્ટર કલ્પેશ નકુમ દ્વારા વધુ પ્રમાણમાં એનેસ્થેસ્યિા અપાઇ જતાં તેમની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપને લઈ પાંચ થી સાત શખ્સોએ કારમાં ડોક્ટર કલ્પેશ નકુમનું અપહરણ કર્યું હતું અને તેમને ઢોર માર મારી નરોડા બાજુ લઇ ગયા હતા.
આરોપીઓએ ડોકટર નકુમનો આ પ્રકરણમાં એનેસ્થેસિયા વધારે અપાયો હોવા અંગેનો વીડિયો પણ ઉતારી લઇ તે વાઇરલ કરાયો હતો. ઘટનાની જાણ થતાં એલિસબ્રીજ પોલીસે ગણતરીના કલાકોમાં અપહ્યુત ડોકટરને મુકત કરાવી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચથી સાત આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં જ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પકડાઇ જશે. બીજીબાજુ, આ બનાવને પગલે શહેરના તબીબીઆલમમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. તબીબીઆલમે આ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી તેને વખોડી કાઢી હતી.