Western Times News

Gujarati News

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં નવરાત્રી પંડાલમાં વાહકજન્ય રોગો અંગે જનજાગૃતિ કરવામાં આવી 

બેનર, પોસ્ટર, સ્ટીકર અને રૂબરૂ સંપર્ક કરીને વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સામાન્ય રીતે વરસાદ આવ્યા બાદ થોડા દિવસો પછી મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે અને મચ્છરોના કારણે થતા વાહકજન્ય રોગોનું પ્રમાણ પણ વધતું હોય છે. પરંતુ અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

નવરાત્રીમાં સૌ કોઈ લોકો જ્યારે ગરબે રમતા હોય છે ત્યારે આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદ જિલ્લાના 400 થી વધુ ગામોના નવરાત્રી પંડાલમાં જઈને બેનરો સ્ટીકરો પોસ્ટરો અને રૂબરૂ સંપર્ક કરીને વાહકજન્ય રોગચાળાથી બચવા માટે શું કરવું અને શું ન કરવું સહિતના ઉપાયો સમજાવવામાં આવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ નવરાત્રીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આફતને અવસરમાં ફેરવવા ટેવાયેલા ગુજરાતીઓ માટે આ એક સારા સમાચાર છે. નવરાત્રીમાં મોટાભાગના લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને ગરબે ઘૂમતા હોય છે. વરસાદના 30 દિવસ પછી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ મોટાભાગે જોવા મળતો હોય છે

એટલા માટે લોકો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચી શકે અને અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મેલેરિયા એલિમિનેશન માટે રાજ્ય સરકારના પ્રયત્નો છે

તેમાં સહભાગી બનીને અમદાવાદ જિલ્લામાંથી મેલેરિયા એલિમિનેશન થાય તે હેતુસર અમદાવાદ જિલ્લાના 400 થી વધુ ગામોમાં નવરાત્રી પંડાલમાં મેલેરિયા ટીમ, આરોગ્ય શાખાના અધિકારીઓ કર્મચારીઓ મારફતે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ન થાય અને થાય તો શું કરવું તેની જનજાગૃતિ કરતા બેનરો પોસ્ટરો સ્ટીકરો અને લોકોમાં જનજાગૃતિ કેળવવા રૂબરૂ સંપર્ક કરી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.