નવસારી જિલ્લામાં હવાઈ હુમલાની સૂચના બાદ સફળ મોકડ્રિલ યોજાઈ

નવસારી, સવારે નવસારી જિલ્લામાં એર રેડ/હવાઈ હુમલાની સૂચના મળતાં સમગ્ર જિલ્લા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું. ‘ઓપરેશન અભ્યાસ’ અંતર્ગત યોજાયેલ આ મોકડ્રિલના પ્રથમ તબક્કામાં સ્થાનિક તંત્રની તત્પરતા અને સજ્જતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં કથિત હવાઈ હુમલાની સૂચના બાદ આપત્તિ નિવારણ ટીમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. મોકડ્રિલ દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં ૦૫ લોકો ઘવાયાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મોકડ્રિલમાં પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને NDRF ટીમના સંયુક્ત પ્રયાસોથી આશરે ૩૭૦ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની સૂચના મળ્યાના માત્ર ૨૫ મિનિટની અંદર બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
“અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપત્તિના સમયે આપણું તંત્ર કેટલી ઝડપથી અને કુશળતાથી પ્રતિક્રિયા આપી શકે છે તેની ચકાસણી કરવાનો હતો,” જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે, “આવી મોકડ્રિલ નાગરિકોને પણ આપત્તિ સમયે શું કરવું તે અંગે જાગૃત કરવામાં મદદરૂપ થાય છે.”
આગામી દિવસોમાં ‘ઓપરેશન અભ્યાસ’ના બીજા તબક્કામાં આગ, ભૂકંપ અને રાસાયણિક હુમલા જેવી આપત્તિઓ સામે મોકડ્રિલ યોજવાની યોજના છે. આ આખી કવાયત દરમિયાન નાગરિકોએ સહકાર આપી તંત્રની કામગીરીને બિરદાવી હતી.