નવસારીથી ઝડપાયેલી નાઈઝીરિયન મહિલા ડ્રગ્સ ડિલર બોગસ વિઝા પર આવી હતી

પ્રતિકાત્મક
ડ્રગ્સ સાથે પકડાયેલી નાઈઝીરિયન મહિલા બોગસ વિઝા પર ભારત આવી હતી
અમદાવાદ, અસામાજિક તત્ત્વો અને સ્થાનિક પોલીસની સાંગગાંઠ ખુલ્લી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારીથી એક નાઈઝીરિયન મહિલા ડ્રગ્સ ડિલરને ઝડપી લીધી હતી જેની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ મહિલાએ પાસપોર્ટમાં ભારતીય વિઝાના ખોટા સ્ટીકર લગાવ્યા હતા.
તેણે બોગસ વિઝાના આધારે ભારતમાં આવી ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હોવાનું જાણી શકાયું છે. આ દિશામાં હજુ તપાસ ચાલુ રહી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવસારીથી મારગ્રેટ એની એમજીબુડોમને દોઢ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધી હતી. તે મુંબઈ-દિલ્હીના ડ્રગ્સ ડિલરો સાથે કામ કરતી હતી અને સાઉથ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર કરતી હતી. નાઈઝીરિયન મહિલાને ઝડપી લઈને તેની પાસેથી પાસપોર્ટ કબજે લીધા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
ધ એમ્બેસેડર-વિઝા ઈસ્યુઈલિંગ ઓથોરિટી ઈન્ડિયન એમ્બેસી ન્યુ દિલ્હી, હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અબુજા (નાઈઝીરિયા) તેમજ મિનિસ્ટ્રી ઓફ એકટર્નલ અફેર્સ (એમઈએ) પાસેથી તેના પાસપોર્ટની વિગતો મેળવી તેની ખરાઈ કરતા એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, નાઈઝીરિયન મહિલાએ તેના પાસપોર્ટ પર ભારતના વીઝાના ખોટા સ્ટીકર લગાવ્યા હતા.
જેના આધારે તેણે ખોટી રીતે પ્રવાસ કર્યો હતો અને પાસપોર્ટમાં ઈમિગ્રેશનના ખોટા સિક્કા મરાવ્યા હતા. તે વર્ષ ર૦ર૧માં ભારત આવી હતી ત્યારબાદ તેણે ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યો હતો આ પ્રકરણની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કરી રહી છે અને તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે.