ગુજરાતમાં આકાર પામનારા ૨૦ બ્રિજમાંથી ૧૧ નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ
નવસારીની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ
(એજન્સી)નવસારી, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ટ્રેનથી આપણા દેશમાં રેલવે મુસાફરીનો અનુભવ હંમેશા માટે બદલાઈ જવાનો છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે,
જેના માટે રેલવે ટ્રેકની સાથે અરબી સમુદ્રની નીચે પાણીની ઉંડાણમાં ટનલ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન નવસારી જિલ્લાની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાતમાં આકાર પામનારા ૨૦ બ્રિજમાંથી ૧૧ નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ થયું છે.
નવસારી જિલ્લામાં આવેલી કાવેરી નદી પર બ્રિજનું કામ ગત ૨૫મી ઓગસ્ટે પૂર્ણ થયું હતું. આ બ્રિજની અન્ય વિગતો અંગે જાણીએ તો બ્રિજની લંબાઇ ૧૨૦ મીટર છે. જેમાં ૩ ફુલ સ્પાન ગર્ડર (દરેક ૪૦ મીટર)નો સમાવેશ થાય છે. બ્રિજના થાંભલાઓની ઉંચાઇ ૧૩થી ૨૧ મીટર જેટલી છે. જેમાં ૪ મીટર વ્યાસનો એક થાંભલો અને ૫ મીટર વ્યાસના ત્રણ થાંભલા છે.
આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે. આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકાના ટેકરીઓમાં ઉદ્દભવે છે. કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી ૪૬ કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી ૦૪ કિ.મી.ના અંતરે છે.
આ ઉપરાંત જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટમાંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે.