નવસારીના ખેરગામમાં સૌથી વધુ ૬.૨ ઈંચ
મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં આજે સાંજે ૬ વાગ્યા સુધી કુલ ૯૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં ૬.૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના આહવામાં ૪.૫ ઈંચ વરસાદ તો વલસાડના કપરાડામાં પણ ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન, અમદાવાદમાં મોડીસાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જેના કારણે માર્ગાે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.ો બીજી તરફ નવસારીના ચીખલીમાં ૪.૨ ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં ૪ ઈંચ વરસાદ, વલસાડ તાલુકામાં ૩.૭ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ૩.૬ ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં ૩.૬ ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં ૩.૪ ઈંચ વરસાદ, તાપીના ડોલવણમાં ૨.૪ ઈંચ વરસાદ તો વલસાડના પારડીમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
વરસાદને પગલે ઘણા લોકોને હાલાકી પડી છે અને ઘણા વાહનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ પડ્યા હતા. આજે રાજ્યના ૪ તાલુકામાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે ૯ તાલુકામાં ૩ ઈંચ કરતા વધુ વરસાદ, ૧૦ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ અને ૧૫ એવા તાલુકા છે જેમાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઢાઢર નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહીને પગલે ૪ દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.