નવસારી લૂંટનો આરોપી 20 વર્ષથી મધ્યપ્રદેશમાં ડોક્ટર બની રહેતો હતો: પોલીસે દર્દી બની ઝડપ્યો
ગુજરાતનો કુખ્યાત વોન્ટેડ આરોપી ઝડપાયો-આરોપી મોતીલાલ જાપ્તા માંથી ફરાર થયા બાદ નાગપુર, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હતો.
નવસારીના ફાયરિંગ વીથ લૂંટ કેસમાં 25 વર્ષથી ભાગેલા આરોપીને પકડવા પોલીસ દર્દી બન્યા
(એજન્સી)નવસારી, નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ફાયરિંગના ગુનામાં પકડાયેલો આરોપી મોતીલાલ હરીસિંહ ઉર્ફે હંસરાજ જાદવ નવસારી સિવિલ હોસ્પિટલ માંથી વર્ષ ૧૯૯૯માં ફરાર થઈ ગયો હતો. મોતીલાલ હરીસિંગ જાદવ કે જે મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાનો રહેવાસી છે જેના વિરુદ્ધમાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીજો પણ ગુનો નોંધાયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે અલગ અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં એક આરોપીને પકડવા પોલીસે શાકભાજીવાળા થી લઈ સેલ્સમેન અને સરકારી યોજનાના ડોર ટુ ડોર સર્વે કરનાર વેશ બદલવો પડ્યો હતો.
જોકે આ ફરાર આરોપીને શોધવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા છ મહિનાથી અલગ અલગ જગ્યા ઉપર તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છ મહિનાથી આરોપી મોતીલાલ અને તેના સગા સંબંધીઓ વિશે ખાનગી માહિતીઓ અને મોબાઈલ નંબરો મેળવી તપાસ કરી રહી હતી. જે દરમિયાન આરોપી મોતીલાલ હરિસિંહ છેલ્લા ૨૦ વર્ષથી મધ્યપ્રદેશના હરસુદમાં પોતાનું નામ બદલી રહેતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
ફરાર આરોપી મોતીલાલની તપાસ દરમિયાન સામે આવ્યું કે મોતીલાલ છેલ્લા ૨૦ વર્ષથી મધ્યપ્રદેશના હરસુદ ખાતે પોતાનું નામ ડોક્ટર અજય પટેલ ધારણ કરી અને રહેતો હતો. એટલે કે મોતીલાલ જાદવ હવે ડોક્ટર અજય પટેલ બની ચૂક્યો હતો. હરસુદમાં ડોક્ટર અજય પટેલ પોતાની ખૂબ સારી છાપ ધરાવતો હતો અને તેણે લગ્ન પણ કરી લીધા હતા.
ડોક્ટર અજય અજય પટેલ હરસુદમાં બજરંગ દળનો પ્રમુખ પણ બની ચૂક્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરતા સમગ્ર હકીકતો સામે આવી હતી. ગુજરાતમાં આરોપી મોતીલાલ જાદવ ટોપ ટેન વોન્ટેડ આરોપીઓમાંનો એક હતો જેથી પોલીસે તેની ધરપકડ કરી એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. આરોપી મોતીલાલ જાપ્તા માંથી ફરાર થયા બાદ નાગપુર, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના અલગ અલગ ગામોમાં નામ બદલીને રહેતો હતો.
આરોપી મોતીલાલ જાદવ વર્ષ ૧૯૯૯ માં તેના મિત્ર પદમસિંગ સાથે નવસારીના પારડીમાં રહેતા ગુરુમિત્ર કાંતિલાલ પટેલના ઘરે મળવા ગયો હતો. જ્યાં મોતીલાલ અને તેનો મિત્ર પદમસિંગ બંને ઘરે પરત આવવા નીકળ્યા તે વખતે પદમસિંગ પાસે રિવોલ્વર હતી જેથી મોતીલાલ અને પદમસિંગે નવસારી ખાતે એક મોટરસાયકલ ચાલકને લૂંટવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરી મોટર સાયકલની લૂંટ ચલાવી હતી. જે મામલે નવસારી રૂલર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં મોતીલાલ અને પદમસિંગની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ ગુનામાં મોતીલાલ ચાર મહિના સુધી જેલમાં કેદી તરીકે સજા કાપી હતી. જોકે મોતીલાલને જામીન નહિ મળતા તેણે મસાની બીમારીનું બહાનું કર્યું હતું જેથી તેને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોતીલાલ પોલીસ જાપ્તા માંથી ફરાર થઈ ચૂક્યો હતો.