નેવી 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદશે

ભારત અને ચીન વચ્ચે સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ-ભારતીય નૌકાદળે ૬૮ યુદ્ધ જહાજાેના ઓર્ડર આપ્યા-ઈન્ડિયન નેવીને ૧૪૩ એરક્રાફ્ટ અને ૧૩૦ હેલિકોપ્ટર તેમજ ૧૩૨ યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી મળી ગઈ
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે.
તેને ધ્યાનમાં રાખીને જ ભારત પોતાના નૌકાદળને મજબૂત બનાવવામાં લાગી ગયું છે. ભારતીય નેવીએ ૬૮ યુદ્ધ જહાજાે અને અન્ય જહાજાેનો ઓર્ડર આપ્યો છે. તેની કુલ કિંમત ૨ લાખ કરોડ રૂપિયાની આજુબાજુ થાય છે.
ઈન્ડિયન નેવીને ૧૪૩ એરક્રાફ્ટ અને ૧૩૦ હેલિકોપ્ટર તેમજ ૧૩૨ યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ છે. આ સિવાય ૮ નેક્સ્ટ જનરેશન કોર્વેટ (નાના યુદ્ધ જહાજાે), ૯ સબમરીન, ૫ સર્વે શિપ અને ૨ મલ્ટીપર્પઝ જહાજાેના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ આગામી વર્ષોમાં તૈયાર કરાશે.
નૌકાદળે ભલે બજેટની ગંભીર સમસ્યા, ડિકમીશનિંગ અને ભારતીય શિપયાર્ડની આળસનો સામનો કરવો પડી રહ્યો હોય પણ ૨૦૩૦ સુધીમાં તેની પાસે ૧૫૫ થી ૧૬૦ યુદ્ધ જહાજ હશે.
એક અહેવાલમાં જણાવાયું હતું કે ભલે આ આંકડો ઘણો સારો લાગે છે. પરંતુ ભારતીય નૌકાદળનો વાસ્તવિક ઉદ્દેશ્ય ૨૦૩૫ સુધીમાં તેના કાફલામાં ઓછામાં ઓછા ૧૭૫ યુદ્ધ જહાજાેનો સમાવેશ કરવાનો છે. તેના દ્વારા માત્ર વ્યૂહાત્મક લાભ જ નહીં પરંતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પણ આપણી પહોંચ મજબૂત થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન ફાઈટર પ્લેન, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનની સંખ્યા વધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.
સમુદ્રમાં ચીન તરફથી વધી રહેલા ખતરાને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી-નેવી હિંદ મહાસાગર ક્ષેત્ર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેના વર્તમાન લોજિસ્ટિક પડકારને દૂર કરવા માંગે છે. તેણે હોર્ન ઓફ આફ્રિકામાં જિબુટી, પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદરમાં પોતાનો બેઝ સ્થાપિત કર્યો છે.
એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ચીની નૌકાદળ કંબોડિયાના રેમમાં પણ પોતાનો વિદેશી બેઝ સ્થાપિત કરશે. તેનો ઉદ્દેશ્ય દરેક સમુદ્રમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે.