એલીસબ્રીજ : હાઈકોર્ટના વકીલ સોમનાથનાં દર્શને ગયા, તસ્કરો રૂપિયા બે લાખ ચોરી પલાયન
અમદાવાદ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ એલિસબ્રિજ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હાઈકોર્ટનાં વકીલનાં ઘરનાં તાળાં તોડીને સવા લાખનું ભારતીય નાણું અને અમેરીકી ડોલર સહિત રૂપિયા ૨ લાખની કિંમતની રોકડ રકમ ચોરી જતાં ચકચાર મચી છે. વકીલ પોતાનાં પરીવાર સાથે બહાર ગયા હતા એ સમયે ચોરો તાળાં તોડીને ઘરમાં ઘુસ્યા હતાં.
સમગ્ર ઘટનાની વિગત એવી છેકે પ્રશાંતભાઈ દેસાઈ-નવયુગ સોસાયટી આંબાવાડી ખાતે રહે છે અને ગુજરાત હાઈકોર્ટમાં સીનીયર વકીલ તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ ૬૦ વર્ષીય પ્રશાંતભાઈ પÂત્ન રાજસીબેન અને દીકરી શીવાંગીબેન સાથે ડ્રાઈવરને લઇ સોમનાથ ખાતે ભગવાનનાં દર્શન માટે ગયા હતાં અને મંગળવારે પ્રશાંતભાઈ સહપરીવાર ઘરે પરત ફર્યા હતા. રાજસીબેન બેડરૂમમાં જતાં જ બુમાબુમ કરી મુકતાં પ્રશાંતભાઈ તેમની દીકરી અને ડ્રાઈવર સહિત બધા એ તરફ દોડ્યા હતા. જ્યાં રૂમનો સામાન અસ્તવ્યસ્ત પડેલો દેખાયો હતો.
અન્ય રૂમોમાં તપાસ કરતાં ત્યાં પણ સામાન વેરણછેરણ હાલતમાં હતો અને તમામ રૂમની તિજારીઓનાં તાળાં તોડી તસ્કરો સવા લાખ રૂપિયા રોકડા અને ૧૦૦ અમેરીકન ડોલર મળીને કુલ બે લાખ રૂપિયાની રોકડ ચોરી ગયાનું સામે આવ્યું હતું. આ અંગે પ્રશાંતભાઈએ એલીસ બ્રીજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવી છે. પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.