NBTની વેબસાઈટ પરથી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે 100થી વધુ પુસ્તકો
નવી દિલ્હી, ભારત સરકાર દ્વારા કોવિડ-19ના પ્રસારને રોકવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોના પગલે અને લોકોને ઘરમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવા માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા લોકોને પોતાના ઘરમાં રહીને જ પુસ્તકો વાંચવા માટે પસંદ કરાયેલા અને સૌથી વધુ વેચાતા પુસ્તકોની શ્રેણીને મફતમાં ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. #StayHomeIndiaWithBooks અંતર્ગત આ પહેલ શરૂ કરવામાં આવી છે.
NBTની વેબસાઈટ https://nbtindia.gov.in પરથી પીડીએફ ફોર્મેટમાં 100થી વધુ પુસ્તકો ડાઉનલોડ કરી શકાશે. વાર્તા, જીવન ચરિત્ર, લોકપ્રિય વિજ્ઞાન, શિક્ષકની હેન્ડબુક અને બાળકો તથા યુવાનો માટેના વિષયોને આવરી લેતા મોટાભાગના પુસ્તકો હિન્દી, અંગ્રેજી, આસમિયા, બાંગ્લા, ગુજરાતી, મલયાલમ, ઉડિયા, મરાઠી, કોકબોરોક, મિઝો, બોડો, નેપાળી, તમિલ, પંજાબી, તેલુગુ, કન્નડા, ઉર્દુ અને સંસ્કૃત જેવી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટાગોર, પ્રેમચંદ દ્વારા લખાયેલ અને મહાત્મા ગાંધી પરના પુસ્તકો પણ ઉપલબ્ધ છે –
એટલે કે પરિવારમાં તમામ વ્યક્તિને વાંચવા માટે અને તેનો આનંદ ઉઠાવવા માટે અહીં પુસ્તકો ઉપલબ્ધ છે. આ યાદીમાં હજુ વધુ પુસ્તકોનો ઉમેરો કરવામાં આવશે. કેટલાક પસંદ કરાયેલ શીર્ષકોમાં હોલીડેઝ હેવ કમ, એનીમલ્સ યુ કાન્ટ ફરગેટ, નાઈન લીટલ બર્ડ્સ, ધી પઝલ, ગાંધી તત્વ સત્કામ, વીમેન સાયન્ટીસ્ટસ ઇન ઇન્ડિયા, એક્ટીવિટી બેઝ્ડ લર્નિંગ સાયન્સ, એ ટચ ઑફ ગ્લાસ, ગાંધી: વોરિયર ઑફ નોન વાયોલન્સ અને બીજા અનેકનો સમાવેશ થાય છે.
આ પીડીએફ માત્ર વાંચવા માટે જ ઉપલબ્ધ છે અને તેના કોઇપણ પ્રકારના અનધિકૃત અથવા વ્યવસાયિક ઉપયોગ માટેની પરવાનગી આપવામાં નથી આવતી.