‘NCB ડ્રગ્સ અને તમાકુ વચ્ચેનો ફરક પણ નથી કરી શકતી’: નવાબ મલિક
નવી દિલ્હી, ડ્રગ્સ કેસ મુદ્દે રમાઈ રહેલા રાજકારણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પોતાને રાજકીય ટાર્ગેટ બનાવાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાના જમાઈ સમીર ખાનનો ઉલ્લેખ કરીને ભાજપે તેમને ડ્રગ્સ કેસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે એનસીબી જેવી મોટી એજન્સીઓ તમાકુ અને ગાંજામાં ફરક પણ નથી કરી શકતી તેમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું ત્યાર બાદ બોલિવુડમાં શરૂ થયેલી ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન એનસીબીએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનની પણ ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા જ સમીર ખાનને જામીન મળી શક્યા છે. હકીકતે નવાબ મલિકે આર્યન ખાન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં મનીષ ભાનુશાલી અને કેપી ગોસ્વામીના રોલ પર સવાલ કર્યા હતા. તેમણે ક્રૂઝ પરના દરોડાને બોગસ ગણાવીને તેમને ટાર્ગેટ કર્યા હતા.
મલિકે જણાવ્યું કે, ‘ભાજપના નેતા બોલી રહ્યા છે કે, હું આ મામલે એટલા માટે બોલી રહ્યો છું કારણ કે મારો જમાઈ ડ્ર્ગ્સ સ્મગલર છે. પૂર્વ મુખ્યમંત્રીએ પણ આવું કહ્યું. પરંતુ હું જણાવી દઉં કે મારા જમાઈને 8 મહિના બાદ જામીન મળી ચુક્યા છે.’
નવાબ મલિકે જણાવ્યું કે, જાન્યુઆરીમાં શાહિસ્તા ફર્નીચરવાળાની ધરપકડ બાદ દિલ્હી, નોએડા, ગુરૂગ્રામ, બેંગલુરૂ, મુચ્છડ પાનવાળાના ત્યાં રેડ પડી હતી. રામપુર ખાતે પણ દરોડો પડ્યો હતો જેનો સંબંધ મારા જમાઈ સાથે જોડવામાં આવ્યો હતો.
નવાબ મલિકે કહ્યું કે, તેમના જમાઈને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો. જેને 200 કિલો ગાંજો કહેવામાં આવેલો તે માત્ર 7.5 ગ્રામ મારિજુઆના સાહિસ્તા ફર્નીચરવાળા પાસેથી મળેલું. સીએ રિપોર્ટમાં જે વસ્તુ મળી આવી તે હર્બલ તમાકુ હોવાનું સામે આવ્યું. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, આટલી મોટી એજન્સી એનસીબી તમાકુ અને ગાંજા વચ્ચેનો ફરક પણ નથી કરી શકતી.
વધુમાં મલિકે જણાવ્યું કે, મારી જાણ પ્રમાણે આવી એજન્સીઓ પાસે એક ઈન્સ્ટન્ટ ટેસ્ટિંગ કિટ હોય છે જેનાથી રિકવર થયેલી વસ્તુ NDPS એક્ટમાં કવર થતી વસ્તુ છે કે, નહીં તે જાણી શકાય છે. કોર્ટનો રિપોર્ટ આ બધું કહે છે તેના હિસાબથી એનસીબીએ લોકોને ફ્રેમ કરવાનું કામ કર્યું.