NCC કેડેટ્સે હવે વૃદ્ધાશ્રમોના રહેવાસીઓ સાથે મોબાઇલ ફોન દ્વારા જોડાવાનું શરૂ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/NCC-1-1024x768.jpg)
#EKMAISAUKELIYE : ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCC નિદેશાલય દ્વારા શરૂ કરાયેલા અભિયાનની પહેલ
અમદાવાદ, #EkMaiSauKeLiye એ ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCC નિદેશાલય દ્વારા શરૂ કરવામાં આવેલા એક અભિયાનની પહેલ છે. NCCના અધિક મહા નિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કરેલી મૂળ પરિકલ્પનાના ફળસ્વરૂપ આ અભિયાન એ આધાર પર છે કે, વર્તમાન સંજોગોમાં,
જ્યારે NCCના કેડેટ્સ માટે ઘરમાં જ રહેવું એ શ્રેષ્ઠ સલાહભર્યું છે તેવી સ્થિતિમાં, દેશના જવાબદાર અને શિસ્તપાલક નાગરિકો તરીકે તેઓ આગળ આવે અને તેઓ જે સમાજ વચ્ચે રહે છે તેમના પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારીઓ પૂરી કરે એ પણ એટલું જ જરૂરી છે.
03 મે 2021ના રોજ શરૂ થયેલા આ અભિયાનના પ્રથમ ભાગમાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCCના દરેક કેડેટ તેમના મોબાઇલ ફોન દ્વારા સેંકડો સંબંધીઓ, મિત્રો અને પરિચિતો સાથે જોડાયા અને કોવિડ માટે યોગ્ય આચરણો અંગે તેમનામાં જાગૃતિ ફેલાવી તેમજ રસીકરણના મહત્વ વિશે તેમને સમજાવ્યા, સાથે સાથે માણસ-થી-માણસના સ્પર્શનો નૈતિક અને ભાવનાત્મક સહકાર પણ આપ્યો.
આ અભિયાનના ભાગરૂપે, આ NCC કેડેટ્સ એક ઊંડા ભાવનાત્મક જોડાણની પ્રક્રિયામાંથી પસાર થયા જેમાં તેમણે પોતાના મોબાઇલ પરના સંવાદના ટૂંકા વીડિયો બનાવ્યા અને કેટલાક સંબંધિત અનુભવો પણ પોસ્ટ કર્યા. અભિયાનના આ ભાગને ખૂબ જ પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને તેના કારણે આ અભિયાન આગળ વધારવા માટે કેડેટ્સને પણ ઘણી પ્રેરણા મળી છે.
#EkMaiSauKeLiye અભિયાનના બીજા ભાગમાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી નિદેશાલયના NCC કેડેટ્સે હવે વૃદ્ધાશ્રમોના રહેવાસીઓ સાથે પોતાના મોબાઇલ ફોન દ્વારા જોડાવાનું શરૂ કર્યું છે. આ રીતે જોડાવાનો મૂળ આશય વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પ્રત્યે ઊંડી લાગણી અને આદર વ્યક્ત કરવાનો
તેમજ તેમનો જુસ્સો વધારવાનો અને “અમે સંભાળ લઇએ છીએ” તેવી તેમના પ્રત્યેની ભાવના દર્શાવવાનો છે. એકંદરે બંને પક્ષે એટલે કે, વૃદ્ધાશ્રમના રહેવાસીઓ અને NCC કેડેટ્સ બંનેમાં છેવટે ફિલ ગુડ પરિબળનો અહેસાસ કરવાનો મૂળ ઉદ્દેશ છે.
આ કેડેટ્સમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેના કારણે, મોટાપાયે સમાજ સાથે જોડાવા માટે નવા અને સમૃદ્ધ વિચારો તેમજ કોવિડ માટે યોગ્ય આચરણના સામાજિક સંદેશાઓ અને રસી લેવાના મહત્વનો પ્રસાર અને માણસ-થી-માણસના સ્પર્શ દ્વારા લોકો સાથેના જોડાણની કામગીરી ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCC નિદેશાલયના કેડેટ્સ દ્વારા ચાલતી જ રહેશે.