NCC ગ્રૂપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા કેન્સર અંગે જાગૃતિ માટે વેબિનાર યોજાયો
Ahmedabad, NCC ગ્રૂપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા કેન્સર કૅર ઇન્ડિયા અને શ્રી બટુકભાઇ ખંડેરિયા ચેરેટિબલ ટ્રસ્ટ હેલ્થ એન્ડ એજ્યુકેશનના સહયોગથી કેન્સર અંગે જાગૃતિ માટે 07 નવેમ્બર 2020ના રોજ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંકલન 8 ગુજરાત બટાલિયન NCC, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વેબિનારનો ઉદ્દેશ યુવાન છોકરાઓ અને છોકરીઓમાં વિવિધ પ્રકારના કેન્સરથી બચવા માટે સતર્કતા, નિવારણ અને સાવચેતીના પગલાંઓ સંબંધિત ધ્યાનમાં લેવાની મુખ્ય બાબતો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ પહેલ બ્રિગેડિયર એસ.એન.તિવારી, ગ્રૂપ કમાન્ડર, NCC ગ્રૂપ હેડક્વાર્ટર રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ વેબિનારના પ્રારંભ પ્રસંગે તેમણે આપેલા સંબોધનમાં યુવાનોમાં કેન્સર અંગે જાગૃતિ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં 160 NCC કેડેટ્સ ઉપરાંત 8 એસોસિએટેડ NCC અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને સાથે FOGSIના ડૉ. અલ્પેશ ગાંધી, કેન્સર કૅર ઇન્ડિયાના અધ્યક્ષ સુશ્રી સુધા મુર્ગાઇ, Ob Gy કન્સલ્ટન્ટ ડૉ. કલ્પના અને બી.જે મેડિકલ કોલેજના પ્રોફેસર સ્મિતા શાહ પણ જોડાયા હતા.
તેમણે આ વેબિનાર દરમિયાન “કેન્સરનું વહેલું નિદાન અને સ્ક્રિનિંગ” મુદ્દા પર વિગતે વર્ણન કર્યું હતું અને કેડેટ્સે નિષ્ણાતોની પેનલ સાથે વાર્તાલાપ કરીને તેમના પ્રશ્નો અંગે સ્પષ્ટતા મેળવી હતી. કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે સહભાગીઓ માટે આ અનુભવ ખૂબ જ માહિતીસભર, જાણકારીપૂર્ણ અને જ્ઞાનાત્મક રહ્યો હતો.