Western Times News

Gujarati News

ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડના વાંધાઓ ફગાવી NCLTએ ICICI સિક્યુરિટીઝના ડિલિસ્ટિંગને મંજૂરી આપી

મુંબઇઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT), મુંબઇએ આઇસીઆઇસીઆઇ ICICI સિક્યુરિટીઝને શેરબજારોમાંથી ડિલિસ્ટ કરવાની મંજૂરી આપી છે.

જસ્ટિસ વિરેન્દ્ર સિંઘ જી. બિષ્ટ અને ટેક્નિકલ સદસ્ય પ્રભાત કુમારની ડિવિઝન બેન્ચે મૌખિક આદેશમાં સ્કીમને મંજૂરી આપતાં ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ અને લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તાના વાંધાઓને ફગાવ્યાં હતાં. આદેશની વિગતો ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવે તેવી સંભાવના છે.

જૂન 2023માં આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝે શેરબજારો ઉપરથી તેના શેર્સ ડિલિસ્ટ કરવાની અને ત્યારબાદ તેની પેરેન્ટ આઇસીઆઇસીઆઇ બેંકની સંપૂર્ણ માલીકીની પેટા કંપની બનાવવાની યોજના જાહેર કરી હતી. આ સ્કીમ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના શેરધારકોને પ્રત્યેક 100 શેર સામે આઇસીઆઇસીઆઇ બેંકના 67 શેર્સ ઓફર કરે છે.

જોકે, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના 0.002 ટકા હિસ્સો ધરાવતા લઘુમતી શેરધારક મનુ ઋષિ ગુપ્તા અને ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે 0.08 ટકા હિસ્સા સાથે અલગથી ડિલિસ્ટિંગનો વિરોધ કર્યો હતો તથા લઘુમતી શેરધારકો માટે સ્વેપ રેશિયો અયોગ્ય હોવાનો દાવો કર્યો હતો.

જોકે, એનસીએલટીએ તેમના વાંધાઓને ફગાવ્યાં હતાં અને સ્કીમને માન્ય રાખી હતી, જેને અગાઉ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના 93.8 ટકા શેરધારકો દ્વારા મંજૂરી અપાઇ હતી.

આ વાંધાઓને પડકારતા આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝે દલીલ કરી હતી કે કંપનીના પ્રસ્તાવિક ડિલિસ્ટિંગ સામેની દાખલ કરાયેલી બે અરજીઓ શેરધારક ડેમોક્રેસીના સિદ્ધાંતનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરે છે.

તેણે દલીલ કરી હતી કે અરજદારો પાસે કોઇ અધિકાર નથી કારણકે કંપનીઝ એક્ટની કલમ 230(4)ની જોગવાઇ અનુસાર કાયદાની કલમ 230 હેઠળ વ્યવસ્થાની યોજના ઉપર કોઇપણ પ્રકારનો વાંધો માત્ર તે વ્યક્તિઓ કરી શકે કે જેઓ ઓછામાં ઓછા 10 ટકા ઇક્વિટી અથવા 5 ટકા ડેટનો હિસ્સો ધરાવતા હોય.

બજારના જાણકારોનું કહેવું છે કે ડિલિસ્ટિંગ બાદ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝના શેરધારકોને આઇસીઆઇસીઆઇ બેંકના શેર્સથી લાભ થશે કે જે બ્રોકિંગ બિઝનેસની સ્વાભાવિક વોલેટાલિટીની તુલનામાં વધુ લિક્વિડિટી અને વધુ સારી કિંમત પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.