NCPએ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવા વ્હીપ જાહેર કર્યો, કાંધલ જાડેજાના વોટ પર સૌની નજર
ગાંંધીનગર, આગામી ૧૯ જૂનના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી માટે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ આપવા માટે વ્હીપ જાહેર કર્યો છે. ગુજરાતના એનસીપીના પ્રભારી પ્રફુલ પટેલના આદેશથી ગુજરાતના એનસીપીના પ્રમુખ જયંત પટેલ દ્વારા આ વ્હીપ જાહેર કરાયો છે. જોકે, હવે કુતિયાણા-રાણાવાવના એનસીપીના ધારાસભ્ય કાંધેલા જાડેજા આ મામલે શું કરશે તેના પર સવાલ છે. અગાઉ પણ પાર્ટીના વ્હીપ છતા બે વાર તેઓએ ભાજપને વોટ આપીને પોતાનું સમર્થન આપ્યું હતું.
અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં બે વાર કાંધલ જાડેજાએ ભાજપને વોટ આપ્યો હતો. ૨૦૧૭ની રાજ્યસભા ચૂંટણીમાં અને ૨૦૧૯ની રાજ્યસભાની ચૂંટણીમાં કાંધલ જાડેજાએ ભાજપને મત આપ્યો હતો. ત્યારે હવે કાંધલ જાડેજા પક્ષ પ્રમુખની વાત ગણકાર છે કે નહિ તે જોવું રહ્યું.
એનસીપીના ધારાસભ્યએ બે મહિના પહેલા જણાવ્યુ હતુ કે, હું દર વખતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપુ છું. તે પ્રમાણે આ વખતે પણ ભાજપ તરફી મતદાન કરીશ. જોકે, જયંત પટેલે જણાવ્યું કે, મેં કાંધલ સાથે વાત કરીને કોંગ્રેસને મત આપવાની સૂચના આપી છે. કાંધલ જાડેજા ૨૦૧૨માં કોંગ્રેસના ટેકાથી ભાજપને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ હાલ એનસીપીમાં છે. મહારાષ્ટ્રમાં એનસીપીના સુપ્રીમો શરદ પવારને કોંગ્રેસે ટેકો આપ્યો છે,
ત્યાં ગુજરાતમાં એનસીપીના ધારાસભ્ય ભાજપને મત આપશે કે નહિ તે ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં પક્ષની આબરૂનું ધોવાણ અગાઉ બે વાર થઈ ગયું છે. કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનમાં હોવા છતા કાંધલ જાડેજાએ અગાઉ પક્ષવિરોધી નિર્ણય લીધા છે. ત્યારે હવે કોંગ્રેસ જ્યારે ૮ ધારાસભ્યો ગુમાવી ચૂકી છે, અને તેના બે ઉમેદવારની જીત દાવ પર લાગી છે ત્યારે જોવું એ રહ્યુ કે કાંધલ જાડેજા કોના તરફી મત આપે છે.