Western Times News

Gujarati News

ગાયના છાણમાંથી આવક ઉભી કરવા NDDB દ્વારા બિઝનેસ મોડલ વિકસાવાશે

કલીન એનર્જીના ઉપાયો અને જેવિક ખાતરો પૂરાં પાડવા માટે એનડીડીબી અને સુઝુકી આર એન્ડ ડી સેન્ટરે એમઓયુ કર્યું

આણંદ, ઉર્જા અને ખાતરના સ્ત્રોત તરીકે ગાયના છાણનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અને પશુપાલકોની આવક વધારવા નવા બિઝનેસ મોડલને વિકસાવવા એનડીડીબી સુઝુકી સાથે મળીને કામ કરશે. કાર્બન તટસ્થતા (ન્યુટ્રાલિટી) હાંસલ કરવા અને પશુપાલકોની આવક વધારવાના ઉદેશ્યથી એનડીડીબી અને જાપાન સ્થિત સુઝુકી મોટર કોર્પોરેશનની ભારતમાં આવેલી સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઈન્ડિયા પ્રા. લિ. (એસઆરડીઆઈ) દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે.

એનડીડીબીના સહકારી મંડળીઓના નેટવર્કની ક્ષમતાનો લાભ ઉઠાવી પરિવહન માટે ઉર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઈ શકે તે માટે છાણ-આધારિત બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર-પ્રસાર કરવાનો આ એમઓયુનો ઉદેશ્ય છે.

એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ અને એસઆરડીઆઈના ડિરેકટર કાઝતુ કાસાહારાએ સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ ટી. સુઝુકી, સીનિયર એક્ઝિકયુટિવ ઓફિસર કાઝુનોબુ હોરી અને ડિરેકટર કેનિચિરો ટીયોકુકુની હાજરીમાં ગાંધીનગર ખાતે આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રસંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહે જણાવ્યું હતું કે, ઉર્જા અને ખાતરના સ્ત્રોત તરીકે ગાયના છાણનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા અને પશુપાલકોની આવક વધારવા નવા બિઝનેસ મોડલની રચના કરી અને આવા મોડલને વિકસાવી એનડીડીબી અને સુઝુકી જેવી બે દિગ્ગજ સંસ્થાઓ એકસાથે આવે તે કાર્બન ન્યુટ્રાલિટીની દિશામાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. સુઝુકીએ આ ક્ષેત્રમાં એનડીડીબીના પ્રયાસોને બિરદાવ્યા હતા

તથા આ પહેલમાં સહકાર સાધવા સંમત થવા બદલ તેમણે એનડીડીબીના ચેરમેનનો આભાર પણ માન્યો હતો તેમણે ભારતમાં પરવડે તેવા અને પર્યાવરણને અનુકૂળ આવે તેવા પરિવહનના ઉપાયો પૂરા પાડવાની સુઝુકી મોટર કોર્પોરેશનની કટીબદ્ધતાની ફરીથી પુષ્ટી કરી હતી.

ત્યારબાદ, ભારતમાં સુઝુકી મોટર કોર્પોરેશનના ૪૦ વર્ષ પુરા થવાની સ્મૃતિમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલીન એનર્જીના ઉપાયો તથા જૈવિક ખાતરો પૂરા પાડવા માટે આ એમઓયુ કરવા બદલ એનડીડીબી અને એસઆરડીઆઈની પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.