NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત કરંજની સરકારી શાળામાં બચાવ કાર્યનું નિદર્શન યોજવામાં આવ્યું
કેન્દ્ર સરકારે ૨૦૦૬ માં દેશમાં કુદરતી કે માનવસર્જિત આફતોમાં મદદરૂપ થવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સ્થાપના કરી હતી. જે પૈકીની ગુજરાતમાં વડોદરા નજીક જરોદમાં કાર્યરત એન.ડી.આર.એફ.ની છઠ્ઠી બટાલિયન દ્વારા આજરોજ ઓલપાડનાં કરંજ ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં સ્થાનિક શાળાઓનાં બાળકો,
શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિની ઉપસ્થિતિમાં કુદરતી આપત્તિઓ અને અકસ્માતોનાં બનાવોમાં રાહત અને બચાવ કામગીરી અંગેનું ડેમોસ્ટ્રેશન યોજવામાં આવ્યું હતું. પ્રારંભે નવજીવન વિદ્યાલયનાં આચાર્ય શૈલેષ પટેલ તથા કરંજનાં કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલે એન.ડી.આર.એફ. જવાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો.
કાર્યક્રમમાં એન.ડી.આર.એફ. ટીમ કમાન્ડર બાબુલાલ યાદવનાં માર્ગદર્શન હેઠળ જવાનો દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, આગ જેવી કુદરતી આપત્તિઓ અને અન્ય અકસ્માતનાં બનાવોમાં આપત્તિ અને બચાવનાં સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા ઉપલબ્ધ સરસામાનનો સામાન્ય સૂઝબૂઝથી ઉપયોગ કરી પીડિત વ્યક્તિઓનાં બચાવ માટે કેવી રીતે પ્રાથમિક પગલાંઓ લઈ શકાય અને જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તેનાં ઉદાહરણો સાથે બચાવનાં પગલાંઓ અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી ઉપસ્થિત શિક્ષકો તથા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
ટીમ કમાન્ડર બાબુલાલ યાદવે આસામની અતિવૃષ્ટિ, આંધ્રપ્રદેશનું વાવાઝોડું, દક્ષિણની ત્સુનામી તેમજ ગુજરાતનાં ભૂકંપને ટાંકીને એન.ડી.આર.એફ.નાં ઉદભવ અંગેનું પ્રચોજન જણાવી હાલમાં જ ઓલપાડ તાલુકાનાં વડોલી, ઉમરાછી, કદરામા વગેરે જેવાં ગામોમાં સર્જાયેલ પૂરની સ્થિતિ વખતે તેમની ટીમ દ્રારા થયેલ બચાવ અને રાહત કામગીરી અંગેનો ચિતાર રજૂ કર્યો હતો.
કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો જેવાંકે ઈનફલેટેબલ રબર બોટ્સ, લાઇફ જેકેટ, લાઇફ ગાર્ડ, બેંડેજ, સ્પલીન્ટ, ઑક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર, ફાયર સેફ્ટી બોટલ, વાયરલેસ સેટ વગેરે જેવાં ઉપકરણો સાથે ઉપસ્થિત એન.ડી.આર.એફ.ની ટીમે બચાવ અને રાહત કામગીરીનું આબેહૂબ નિદર્શન કર્યુ હતું.
કોઈપણ પ્રકારની આફતમાં પોતાનાં જીવની પરવા કર્યાં વગર દેશની જનતાનું રક્ષણ અને દેશસેવા માટે હરહંમેશ તત્પર એવાં એન.ડી.આર.એફ.નાં જવાનોનો કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર ડેમોસ્ટ્રેશન પ્રોગ્રામનું સુચારુ આયોજન કરંજ પ્રાથમિક શાળાનાં સાયન્સ ટીચર નિલેશ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.