અડાલજ નજીક નબીરાએ રોકેટ ગતિએ BMW ચલાવી ડિવાઈડરને અથડાવી
ગાંધીનગર, ગાંધીનગરના અડાલજ નજીક નબીરાએ રોકેટ ગતિએ બીએમડબલ્યુ ચલાવી ડિવાઈડરને અથડાવતા અકસ્માત સર્જાયો હતો. તેજ ગતિના કારણે કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી. જાેકે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ અકસ્માત થતાની સાથે કારચાલક વાહન પડતુ મુકીને રફુચકકર થઈ ગયો હતો. બનાવ અંગે અડાલજ પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
અકસ્માતના બનાવની વિગત એવી છે કે અમદાવાદ રહેતો નબીરો મંગળવારે બીએમડબલ્યુ કાર લઈને ગાંધીનગર આવ્યો હતો અને રાતના પરત જઈ રહ્યો હતો. ત્યારે અડાલજ કેનાલ પાસેના હાઈવે પર રોકેટ ગતિએ કાર હંકારતા વાહન બેકાબુ થઈ જતાં કાર રોડની ડિવાઈડરમાં લાગેલી પતરાની રેલીંગમાં ઘુસી ગઈ હતી. તેજ ગતિના કારણે અકસ્માત થતાં કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી.
બનાવ અંગે જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પરંતુ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી અને મોટી સંખ્યામાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા.
આ અંગે અડાલજ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી મળી નથી. અકસ્માત થતા કારચાલક ફરાર થઈ ગયો છે જેથી કાર નંબરના આધારે તપાસ કરતા બીએમડબલ્યુ કારનો માલિક અમદાવાદનો હોવાનું જણાઈ આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.