NEET પીજી-2022ની પરીક્ષા 21 મે, 2022ના રોજ યોજાશે
ધ નેશનલ બોર્ડ એકઝામીનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા સ્પષ્ટતા : સોશ્યલ મીડિયામાં પરીક્ષા 9 જુલાઇએ યોજાશે તેવા ફરી રહેલા સરકયુલરને બનાવટી ગણાવાયો
નવી દિલ્હી, દેશમાં કોરોના સહિતના કારણોસર સતત વિવાદમાં ફસાઇ રહેલી અને અનેક વખત મુલત્વી રહેલી નીટ પીજી-2022ની પરીક્ષા તા.ર1 મેના રોજ જ યોજાશે અને તે મુલત્વી રાખવામાં આવી નહીં હોવાનું સરકારે ફરી એક વખત સ્પષ્ટ કર્યુ છે.
છેલ્લા બે દિવસથી નીટ પીજી-2022 પરીક્ષા તા.ર1 મેના બદલે તા.9 જુલાઇના રોજ યોજાશે. તેવા સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમોથી પરીપત્ર ફરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું તેમાં નેશનલ બોર્ડ એકઝામીશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા આજે એક તાકીદની પ્રેસનોટમાં જાહેર કરાયું છે કે નીટ પીજી એકઝામ તેના શેડયુલ મુજબ તા. 21 મેના રોજ યોજાશે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
તેઓએ આ તારીખે જ હાજર રહેવાનું છે અને તેમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. તથા આ પ્રકારની માહિતીને સાચી ન ગણવા માટે જણાવાયું છે. આ અંગે એક નોટીસ પણ જાહેર પણ કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટ રીતે પરીક્ષાના કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરાયો હોવાનો ઇન્કાર કરાયો છે. છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં આ પ્રકારના સતત અહેવાલો આવી રહ્યા હતા તેના પરિણામે આ સ્પષ્ટતા ફરજીયાત બની હતી.