ગણેશ ઉત્સવના આયોજકોની ફાયર NOC લેવામાં બેદરકારી
કોઈ પણ મંડપ કે પંડાલ સ્કૂલ કે હોસ્પિટલથી ઓછામાં ઓછા ૧પ ફૂટ દૂર બાંધવાના નિયમ હોય છે
(એજન્સી)અમદાવાદ, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને હિંદુઓના પ્રથમ પૂજનીય દેવતા શ્રી ગણેશનું પાવન પર્વ આજથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહથી ઉજવશે.
અંત ચતુર્દશી સુધી એટલે કે સતત ૧૦ દિવસ સુધી ચાલનારા આ ગણેશ ઉત્સવ દરમિયાન હજારો ભક્તો પોતાના ઘેર ગણપતિની સ્થાપના કરશે. ઉપરાંત શહેરમાં ૮૦૦થી વધુ પંડાલોમાં ધામધૂમપૂર્વક સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી થશે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ ગણપતિ બાપ્પાનો મહિમા સતત વધી રહ્યો છે
અને દસ દિવસ સુધી સમગ્ર અમદાવાદમાં ગણેશજીનો જય જયકાર થવાનો છે. જાે કે આમાં આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત એ છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી નિમિત્તે જે તે આયોજક દૂંદાળા દેવની સજાવટમાં કોઈ કમી રાખતા નથી. દર્શનાર્થે આવતા ભક્તોનું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે, તેમ છતાં ફાયર સેફ્ટીના મામલે ઘોર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. મ્યુનિ. ફાયર બ્રિગેડના ધારાધોરણો મુજબ ફાયર સેફ્ટીની એનઓસી લેવામાં આયોજકો જાેઈએ તેવો ઉત્સાહ દાખવતા નથી.
મ્યુનિસિપલ ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમેશ મેરજા દ્વારા આજે સવારે ગણેશ મંડપના આયોજક દ્વારા મંડપમાં જાહેર સલામતી અર્થે કરવા યોગ્ય ફાયર સેક્ટી સંદર્ભમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે, જે મુજબ આયોજક દ્વારા કોઈ પણ મંડલ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે તેનું સ્કૂલ, હોસ્પિટલ, જવલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદિથી ઓછામાં ઓછું ૧પ ફૂટ દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ-રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.
આયોજકો દ્વારા કોઈ પણ મંડપ કોઈ પણ પ્રકારની ભઠ્ઠી, ઈલેક્ટ્રિક સબસ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રિક હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી ઓછામં ઓછા ૧પ મીટર દૂર રાખવાના રહેશે. સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં તથા સ્ટેજ નજીક કે સ્ટેજની નીચે આગ લાગી શકે તેવા કોઈ પણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં.
આયોજકોએ સ્ટ્રક્ચરની અંદર તથા બહાર ડિસ્પ્લે સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક નો-સ્મોકિંગ ઝોન, એક્ઝિસ્ટ, ઈમર્જન્સી એક્ઝિસ્ટ વગેરે ઉપલબ્ધ કરાવવાના રહેશે. મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રિક વાયરિંગ નિષ્ણાતો પાસે અચૂક ચકાસણી કરાવવી પડશે તેમજ ગિઝર-જનરેટર મંડપથી ઓછામાં ઓછા પાંચ મીટર દૂરના અંતરે રાખવું પડશે.
મંડપમાં ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવનમાં નાના કુંડનો ઉપયોગ કરવાનો રહેશે અને તેમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા રાખવી પડશે. મંડપમાં ગણેશ મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયં સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવો પડશે.
ર૦૦ લિટર પાણી ભરેલાં બે બેરલ અને રેતી બરેલી બે બાલાટી તેમજ બે સીઓર ફાયર એક્સટિંગ્યુશરની વ્યવસ્થા કરવાની રહેશે.
આ તમામ બાબતોનું પાલન કરીને ફાયર સેક્ટીનું ન-વાંધા પ્રમાણપત્ર તેમજ સેલ્ફ ડેકલેરેશન અચૂક રજૂ કરવાનું હોય છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી એક પણ આયોજકે એનઓસી લેવાની ક સેલ્ફ ડેકરેલેરશન રજૂ કરવાની તસદી લીધી નથી.