‘ટાઈપકાસ્ટિંગ હવે યોગ્ય ભૂમિકાઓની પસંદગી કરવા માટે અવરોધ નથી’, નેહા જોશી ઉર્ફે યશોદા
અભિનેત્રી નેહા જોશી એન્ડટીવી પર નવા ફેમિલી ડ્રામા “દૂસરી મા”માં યશોદાનું મુખ્ય પાત્ર ભજવવાની છે. વાર્તા ઉત્તર પ્રદેશમા પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી છે. તે અને તેનો પતિ અજ્ઞાત રીતે જ તેના પતિના પ્રથમ મહિલા સાથે સંબંધમાંથી જન્મેલા કૃષ્ણા (આયુધ ભાનુશાલી)ને દત્તક લે છે, જેને લીધે તેનું સુખી, શાંતિપૂર્ણ પારિવારિક જીવન થંભી જાય છે.
શોમાં પતિના ભૂતકાળને સાચવી લેવાના અને તેના સાવકા પુત્ર સાથે સંઘર્ષમય કડવા સંબંધો સાથે મુખ્ય પાત્ર યશોદાના પ્રવાસને મઢી લેવામાં આવ્યો છે. આ મજેદાર ઈન્ટરવ્યુમાં નેહા જોશી તેના નવા શો, તેનું પાત્ર અને લગ્ન પછી જીવન તેમ જ ઘણા બધા રસપ્રદ મુદ્દાઓ પર વાત કરે છે.
1. દૂસરી મામાં તારા પાત્ર વિશે અમને કહે.
યશોદા સમર્પિત ગૃહિણી અને સમાજસેવિકા છે. તે પ્રેમાળ, વ્યવહારુ અને ભોળી મહિલા છે. તેને બે પુત્રી છે અને તે માટે તેને ગર્વ છે. તે ક્યારેય કોઈનો અનાદર કરતી નથી, પરંતુ કોઈ તેનું અપમાન કરે તે પણ સાંખી નહીં શકે. તે પોતાની ભૂલોનું લોકોને ભાન કરાવવા માટે અજોડ અને બુદ્ધિશાળી રીત ધરાવે છે. કામ દરમિયાન તે પથારીવશ થયેલી એકલી અપરિણીત માતા માયાને મળે છે અને તેને તેનું એકમાત્ર સંતાન કૃષ્ણાને સુરક્ષિત અને સંરક્ષિત ભવિષ્ય આપવાનું વચન આપે છે.
2. યશોદાને તારા અંગત જીવન સાથે કઈ રીતે જોડે છે?
યશોદાના પાત્ર સાથે અમુક સામ્યતાઓ ધરાવું છું. યશોદાની જેમ જ જીવન પ્રત્યે વાસ્તવલક્ષી અભિગમ અપનાવું છું અને દગાબાજી સાંખી શકતી નથી. હું અન્યોનો આદર કરું છું અને સરાહના થાય તે સારું લાગે છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે હું મારા પરિવાર અને મારા પતિને પ્રેમ કરું છું.
3. મહારાષ્ટ્રિયન હોવાથી શોની પાર્શ્વભૂ ઉત્તર પ્રદેશની હોવાથી બોલીભાષા પર કઈ રીતે કામ કરે છે?
કલાકાર તરીકે મને નવા પડકારો સ્વીકારવાનું ગમે છે. તેનાથી મને સંતોષ થાય છે અને કલાકાર રીતે મારી વૃદ્ધિમાં મદદ થાય છે. હંમેશાં નવું નવું શીખવાનું તમારી વાટ જોતા હોય છે. મહારાષ્ટ્રિયન હોવાથી મારે યુપી બોલીભાષા અને જીવનની રીત અપનાવવાની હતી.
તેનાં પાસાં સમજવા અને પાત્રમાં ઊંડાણથી ઊતરવા માટે મારે વ્યાપક વર્કશોપ હેઠળ પસાર થવું પડ્યું હતું. હું યુપીની મહિલાઓનું વર્તન સમજવા અને જીવનની રીત જોવા માટે અમુકને મળી પણ હતી. મારી રંગમંચની પાર્શ્વભૂએ પણ મને બોલીભાષા અપનાવવા અને પાત્રને અસરકારક રીતે ભજવવામાં મદદ કરી છે.
ડાયરેક્ટર ઈમ્તિયાઝ પંજાબી પરફેક્શનિસ્ટ છે અને દરેક બાબત વિશે એકદમ ચોક્કસ છે. મેં અગાઉ પણ તેમની સાથે એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરમાં કામ કર્યું છે, જેથી આ આવશ્યકતાઓને સમજવાનું અને તે અપનાવવાનું આસાન હતું.
4. તું ફરી આયુધ ભાનુશાળી સાથે કામ કરી રહી છે. તે કેવું મહેસૂસ થાય છે?
અમે બહુ ખુશ અને રોમાંચિત છીએ. અમે હંમેશાં સંપર્કમાં હતાં અને શક્ય હોય ત્યારે કોલ, ટેક્સ્ટ થકી અથવા એકબીજાને મળીને સંપર્કમાં રહેતાં હતાં. અમારું જોડાણ બહુ વિશેષ રહ્યું છે. અસલ જીવનમાં પણ હું તેને મારા પુત્ર જેવો રાખું છું. દૂસરી મા માટે અમે ફરી એકત્ર આવી રહ્યા છે એવું સાંભળ્યું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો અને આયુધ જેવો બહેતર સહ- કલાકાર મળી શકે એમ નથી.
અમે હંમેશાં એકબીજા સાથે સમય વિતાવતાં હતાં અને હવે શો માટે રમીને, વાતો કરીને, રિહર્સલ કરીને અને શૂટિંગ કરીને ભરપૂર સમય વિતાવીએ છીએ. મને ખાતરી છે કે અગાઉના શોની જેમ જ અમારું સમીકરણ આ શોમાં પણ દર્શકોને ગમશે
5. શું તારા ફ્રેન્ડ્સ, ફેમિલી અથવા પાડોશીઓ સાથે એવા કોઈ અંગત અનુભવો છે જે શોની સંકલ્પના સાથે જોડાયેલા છે?
મારા પરિવાર અથવા મારી આસપાસના લોકોમાં આવું ક્યારેય બન્યું નથી. જોકે મેં એક માતા સાવતા પુત્રની સંભાળ લે છે એવી વાર્તાઓ સાંભળી છે. દૂસરી માની વાર્તા, તેના સંજોગો અને માતા અને તેના પતિના અગાઉના સંબંધમાંથી જન્મેલા પુત્રનો પ્રવાસ ભારતીય ટેલિવિઝન પર આ અજોડ ફેમિલી ડ્રામા શો બનાવે છે.
6. શું તને એવું લાગે છે કે ફરી માતાની ભૂમિકા ભજવવાથી તારી મર્યાદાઓ આવી જશે અને ટાઈપકાસ્ટિંગ થઈ જશે?
પાત્રનું વ્યક્તિત્વ, પ્રવાસ અને તે દર્શાવવાનું મહત્ત્વપૂર્ણ છે. મજબૂત પાત્ર અલગ તરી આવે છે અને કલાકારની ઉત્ક્રાંતિમાં મદદ પણ કરે છે. હું ભારપૂર્વક માનું છું કે દર્શકો સાથે સંબંધિત હોય અને અનોખું તરી આવે તેવું પાત્ર ભજવવું જોઈએ. યશોદાનું પાત્ર મને તેના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંની ખોજ કરવામાં મદદ કરે છે. ટાઈપકાસ્ટિંગ હવે યોગ્ય ભૂમિકાની પસંદગી કરવામાં અવરોધ નથી. સમય બદલાયો છે અને દર્શકો અમારી અભિનય શક્તિની સરાહના કરે છે.
7. તું હાલમાં જ પરણી છે અને હવે જયપુરમાં શૂટિંગ કરી રહી છે. આ બધું કઈ રીતે સંભાળે છે?
ઓમકાર મને બહુ આધાર આપે છે. મને આ શો ઓફર કરાયો ત્યારે અમારી લગ્નની તારીખો નક્કી થઈ હતી. શોમાં કામ શરૂ કરવા હું રોમાંચિત હતી છતાં લગ્ન અને શૂટની તૈયારીઓ સાગમટે સંભાળવા અને ત્યાર પછી શોના શૂટ માટે જયપુરમાં જવા વિશે મને ચિંતા હતી.
જોકે ઓમકારે બધું સાચવી લીધું, જેને કારણે બધું આસાનીથી પાર પડ્યું. અમે મળીને ઘણાં વર્ષ થયાં છે અને અમે લગભગ આઠ મહિના સુધી લિવ-ઈનમાં રહ્યાં હતાં. આથી એકબીજાને સમજવા માટે અમે ભરપૂર સમય સાથે વિતાવ્યો છે.
હાલમાં શૂટિંગ પર કેન્દ્રિત હોવાથી મારી પાસે તેની સાથે વિતાવવા માટે સમય ઓછો છે, જેથી ટૂંક સમયમાં જ અમે જયપુર અથવા મુંબઈમાં મળવાની યોજના બનાવીશું. તે સાચવી લેતો હોવાથી બધું આસાનીથી સચવાઈ રહે છે તે બાબતે હું પોતાને ભાગ્યશાળી માનું છું.