નહેરૂનગર વિસ્તારમાં પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો
વરસાદે વિદાય લીધા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત
(એજન્સી)અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ હવે ભૂવા સિટી બની ગયુ છે. શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદે વિરામ લીધો છે છતા ભૂવા પડવાનો સિલસિલો અકબંધ છે. હાલ શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યા ભૂવા ન પડ્યા હોય. છેલ્લા કેટલાક વર્ષોથી શહેરમાં ચોમાસાના સમય સિવાય પણ અલગ અલગ કારણોથી ભૂવા પડી રહ્યા છે.
હાલ નહેરૂનગર વિસ્તારમાં મહાકાય ભૂવો પડ્યો છે. ચોમાસાએ વિદાય લેતા અમદાવાદમાં છેલ્લા ૧૫ દિવસથી વરસાદનું ટીપુય પડ્યુ નથી પરંતુ શહેરના અલગ અલગ માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો અટક્યો નથી. શહેરના અતિવ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા નહેરૂનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે. નહેરૂનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યા બાદ તંત્ર માત્ર બેરિકેડ મુકીને સંતોષ માની રહ્યુ છે.
હાલ તેને પૂરવાનું કોઈ કામ હાથ ધરાયુ નથી. અહીથી અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર હાલાકી વેઠવી પડે છે પરંતુ તંત્રને તેમની સમસ્યાની કંઈ પડી નથી. અહીંના સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે ભૂવાના સમારકામમાં તંત્ર લાલિયાવાડી દાખવી રહ્યુ છે. સ્માર્ટ સિટી અને મેટ્રો સિટીના દાવાઓ વચ્ચે શહેરમાં પડેલા આ ભૂવા તંત્રના વિકાસની પોલ ખોલી રહ્યા છે.
બીજી તરફ રસ્તા પર આવા “ભૂવારાજ”ને લીધે. સ્થાનિકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકોનો આક્ષેપ છે કે ભૂવા પડ્યા બાદ તંત્ર દ્વારા ઝડપથી સમારકામની કામગીરી હાથ ધરવામાં જ નથી આવતી. જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમદાવાદમાં આ વર્ષે જૂન મહિનાથી શરૂ કરી અત્યાર સુધીમાં વિવિધ વિસ્તારમાં કૂલ ૪૪ ભૂવા પડ્યા હતા
અને આ ભૂવાના સમારકામ પાછળ મનપાએ ૧.૨૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા ૪ વર્ષમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કૂલ ૩૬૩ ભૂવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ કૂલ ૫૦ કરોડનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આપને જણાવી દઈએ કે ગત વર્ષે પણ અમદાવાદમાં ૨૩ સ્થળોએ મસમોટા ભૂવા પડ્યા હતા.
આ વર્ષે ૫૦ ટકાથી વધુ ભૂવા જુની જગ્યાઓ પર જ પડ્યા છે. વર્ષ ૨૦૨૩માં કૂલ ૧૮૧ ભૂવા પડ્યા હતા જેને પૂરવા પાછળ ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. જેમા ઝોન વાઈઝ જોઈએ તો ઉત્તર ઝોનમાં સૌથી વધુ ૧૨ ભૂવા પડ્યા, પશ્ચિમ ઝોનમાં ૧૧, દક્ષિણ ઝોનમાં અને પૂર્વ ઝોનમાં ૬ ભૂવા પડ્યા હતા.
દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં ૪ ભૂવા, મધ્ય ઝોનમાં ૩ ભૂવા ઉત્તર- પશ્ચિમ ઝોનમાં ૧ ભૂવો પડ્યો હતો. શહેરમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રિસરફેસ કરવા અને વિવિધ રોડ પર પડેલા ખાડાના સમારકામ તેમજ ભૂવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે ૧૦૦૦ કરોડથી વધુનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવે છે.