ઘરની જગ્યા બાબતે ભત્રીજાઓએ ફોઈ અને દિકરીને ઈંટ મારી ઝઘડો કર્યો
ભાઈના પરિવારજનો દ્વારા બહેન અને તેની દિકરીને ઇંટ મારી ઈજાગ્રસ્ત કરતા એક મહિલા સહિત કુલ ચાર સામે ફરિયાદ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દુ.માલપોર ગામે ઘરની જગ્યા બાબતે ભાઈ બહેનના પરિવારો વચ્ચે બોલા ચાલી બાદ થયેલ ઝઘડામાં બહેન અને તેના સંતાનોને માર મારતા ભાઈ ભાભી સહિત કુલ ચાર સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ દુ.માલપોર ગામે રહેતા સુમિત્રાબેન કાલિદાસ વસાવાના ઘરની પાછળ તેમના ભાઈનું પરિવાર રહે છે.
તા.૨૦ મીના રોજ સુમિત્રાબેનની દિકરી ચાંદની ઘર બહાર ઉભી હતી.ત્યારે તેમના ભાઈના છોકરાઓ અનિલ શાંતિલાલ વસાવા અને દિલીપ શાંતિલાલ વસાવા ત્યાં આવીને ચાંદનીને ગાળો બોલવા લાગ્યા હતા.આ સાંભળીને સુમિત્રાબેન અને તેમનો છોકરો વિષ્ણુ ઘરની બહાર નીકળતા અનિલ અને દિલીપ બન્ને જણા તેમને કહેવા લાગ્યા હતા કે તમારા ઘરની પાછળની અડાળી અમારી છે અને તમારૂં ઘર પણ અમારી જગ્યામાં છે,
તમે ઘર ખાલી કરીને અહિંયાથી જતા રહો.ત્યારે સુમિત્રાબેને તેમને કહ્યું હતું કે આ ઘર અમારી જગ્યામાં છે,મારા પિતાજીએ આપેલ છે.તમને તમારો ભાગ આપેલ છે તેમાં રહો.આ સાંભળીને બન્ને જણા ગાળો બોલવા લાગ્યા હતા અને દિલીપે ઉશ્કેરાઈ જઈને નજીકમાં પડેલ ઈંટ લઈને સુમિત્રાબેનને મારતા માથામાં સોજો આવી ગયો હતો. સુમિત્રાબેનની દિકરી ચાંદની છોડાવવા વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે ઈંટ મારતા તેને લોહી નીકળવા લાગ્યું હતું.
સુમિત્રાબેનના છોકરા વિષ્ણુને અનિલે તેની ફેટ પકડી ઝપાઝપી કરી હતી.આ દરમ્યાન સુમિત્રાબેનના ભાઈ શાંતિલાલ ઉક્કડ વસાવા અને ભાભી બબલીબેન પણ ત્યાં દોડી આવ્યા હતા અને સુમિત્રાબેનને ધક્કો મારી નીચે પાડી દઇને માર મારવા લાગ્યા હતા.ત્યાર બાદએ લોકોએ મારી નાંખવાની ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત સુમિત્રાબેનને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ઘટના બાબતે સુમિત્રાબેન વસાવાએ તેમના ભાઈ ભાભી અને ભત્રીજાઓ અનિલ શાંતિલાલ વસાવા,દિલીપ શાંતિલાલ વસાવા,બબલીબેન શાંતિલાલ વસાવા અને શાંતિલાલ ઉક્કડભાઈ વસાવા ચારેય રહે.ગામ દુ.માલપોર તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.