નીપોટિઝમના કારણે લાભ ન થયો, મુશ્કેલી પડી હતી: અલાયા એફ
મુંબઈ, વીતેલા જમાનાની ચર્ચાસ્પદ એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અલાયા એફની કરિયરની સૌથી મોટી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ છે. આ ફિલ્મમાં અલાયાને અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે રોલ કરવા મળ્યો છે. કરિયરની સૌથી મોટી ફિલ્મની રિલીઝ પૂર્વે અલાયાએ નીપોટિઝમમાં પણ વ્હાલા-દવલાં ચાલતું હોવાનો ખુલાસો કર્યો હતો.
આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની રિલીઝ પૂર્વે અલાયાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડમાં ચાલી રહેલા નીપોટિઝમ અને તેના અલગ-અલગ આવરણો અંગે વાત કરી હતી. અલાયાએ જણાવ્યું હતું કે, નીપોટિઝમના કારણે તેને કોઈ લાભ ન હતો થયો, પરંતુ મુશ્કેલીઓ વધી હતી. ડાયરેક્ટર-પ્રોડ્યુસર્સ મળતા હતા અને સરસ વાતચીત કરતા હતા, પરંતુ ફિલ્મ આપતા ન હતા.
પહેલી ફિલ્મ જવાની જાનેમન મળી હતી અને તેના માટે દોઢ વર્ષ રાહ જોવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને તબુનો લીડ રોલ ધરાવતી ફિલ્મ ‘જવાની જાનેમન’ ૨૦૨૦માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી અલાયાએ કરિયરની શરૂઆત કરી હતી.
ફિલ્મમાં તેણે સૈફની દીકરીનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં પરફોર્મન્સ બદલ અલાયાને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ કાર્તિક આર્યન સાથે ‘ળેડી’, ‘ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ અને ‘યુ ટર્ન’માં અલાયાને લીડ રોલ મળ્યા હતા. અલાયાની અત્યાર સુધીની તમામ ફિલ્મો ઓછા બજેટની રહેતી હતી.
‘બડે મિયાં છોટે મિયાં’નું મોટું બજેટ રહેવા સાથે એ-ગ્રેડ સ્ટાર્સ પણ છે. અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ ઉપરાંત સોનાક્ષી સિંહા અને માનુષી છિલ્લર પણ આ ફિલ્મમાં છે. ફિલ્મમાં અક્ષય અને ટાઈગરે ભારતીય લશ્કરના જવાનનો રોલ કર્યો છે. વિલનના રોલમાં પૃથ્વીરાજ સુકુમારન છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે ઈદ પર રિલીઝ થઈ રહી છે.SS1MS