૫૦ વર્ષ જુની જર્જરીત કેનાલોનું નવીનીકરણ કરવા માંગ

નેત્રંગ તાલુકાના બલડેવા,પીંગોટ અને ધોલી ડેમને ઊંડા કરી ૫૦ વર્ષ જુની જર્જરીત કેનાલોનું નવીનીકરણ કરવા માંગ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલીયા અને ઝઘડિયા તાલુકાના આદિવાસી ગામોમાં સિંચાઈના પાણીએ ખેડૂતોની ચિંતા વધારી છે.ત્યારે ડેમ અને કેનાલોનું યોગ્ય રીતે સમારકામ કરવા માટેની ખેડૂતોએ માંગ કરી છે.
ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારો પૈકી વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ખેતી આધારિત આજીવિકા મેળવતા ધરતીપુત્રો માટે નેત્રંગ તાલુકાના બલડેવા-પીંગોટ અને ધોલી ડેમને જીવાદોરી સમાન ગણવામાં આવે છે.નેત્રંગ તાલુકાની સીમ માંથી પસાર થતી ટોકરી નદી ઉપર વર્ષ ૧૯૭૦-૭૫ માં બલડેવા,પીંગોટડેમ અને મધુવંતી નદી ઉપર ધોલીડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
બલડેવા ડેમની જમણા અને ડાબા કાંઠાની બનેલ કેનાલ જે ૮,૧૫૦ મીટર લંબાઈ ધરાવે છે,પીંગોટ ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૧૧,૦૨૭ મીટરની લંબાઈ સાથે ધોલી ડેમની કેનાલ ૬.૨૩ કિ.મીની છે.આ ત્રણેય ડેમમાંથી કુલ ૫,૮૩૫ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પાણી આપવાની ક્ષમતા ધરાવે છે. જોકે ૫૦ વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા બાદ પણ મોટાભાગની કેનાલ તુટેલી અને જર્જરીત હાલતમાં જોવા મળે છે.
જેના કારણે અંદાજીત ૪૦૦ હેક્ટર જમીનને જ સિંચાઈ માટેનું પાણી મળી રહે છે તેમ જાણવા મળ્યું છે.જાણકારોના મત મુજબ બલડેવા-પીંગોટ અને ધોલી ડેમમાં ૮૦ ટકા જેટલું માટીનું પુરાણ થઈ ગયું છે અને દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીની સાથે સાથે માટી પણ વહેણમાં આવતી હોય છે તે માટે ચેકડેમના તળ ભાગમાં કાયમી માટે ચીકણી માટી સ્થાયી થઈ જાય છે.
તેવા સંજોગોમાં દર વર્ષે વરસાદી પાણીના કારણે ડેમ ઓવરફ્લો થાય અને સરકારના ચોપડે ૧૦૦ ટકા ડેમ ભરાય તેવી નોંધાય છે.પરંતુ ભૌગોલિક પરીસ્થિતિ કંઈક અલગ જ હોય છે,તેવા સંજોગોમાં બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનું નવીનીકરણ અને ત્રણેય ડેમને ઉંડા કરવામાં આવે જેથી પાણીનો સંગ્રહ વધે તેવી કેન્દ્ર સરકારના જળસંચય કેબીનેટ મંત્રી સી.આર પાટીલને નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના દિવ્યાંગ મિસ્ત્રી દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.
આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.ઉકાઈ કેનાલ યોજના હેઠળ હવે ડેડીયાપાડા તાલુકાને સિંચાઈ માટે પાણી મળે તેવી શક્યતા છે.
એટલું જ નહીં,કરજણ ડેમનું પાણી જે કોતરોમાં છોડી દેવામાં આવે છે,તેનું ધોલી ડેમ તરફ દિગ્દર્શન કરવામાં આવે તો ૧૫ થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાનું પાણી મળી શકે.સાથે બલદેવા ડેમના પાણીનું પણ યોગ્ય આયોજન થવું જોઈએ,જેથી તે પાણી વેડફાઈ ન જાય અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે. લેખિત રજૂઆતોની નોંધ રાજ્ય સરકારે લીધી હતી.
જેના પરિણામ સ્વરૂપે રાજ્ય સરકારના કેબીનેટ જળસંચય મંત્રી કુંવરજી બાવળીયાને બલડેવા-પીંગોટ અને ધોલી ડેમની ભૌગોલિક પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને હાજર અધીકારીઓને જરૂરી કામગીરી કરવાની સાથે ડેમમાં રહેલ માટીને કેવી રીતે દૂર કરવા અને ડેમને ઊંડા કરવા માટે શુ કરી શકાય તે માટે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા.
જોકે ત્રણેય ડેમ નેત્રંગની જીવાદોરી સમાન હોય ડેમને ઊંડા કરી તેમાં પાણીનો સંગ્રહ વધે તેમજ જર્જરિત બનેલ કેનલનું સમારકાર થાય તેમજ બાકી રહેલ કેનલનું વહેલીટકે નિર્માણ થાય તે જરૂરી થઈ પડ્યું છે.