નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર દોડતું થયું

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે.અત્યાર સુધીમાં કુલ ૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી ૩૬ બાળકોના મોત નિપજીયા છે.ત્યારે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં થઈ છે.જેમાં નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે.
ધાણીખુંટ ગામના સાડા પાંચ વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.શંકાસ્પદ કેસના પગલે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે.આરોગ્ય વિભાગની ૧૫ જેટલી ટીમ દ્વારા જે જગ્યાએથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ સબ સલામત અને ચિંતા નહીં કરવાની બુલબાંગ ફૂંકતા ભરૂચ આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાએ નેત્રંગ તાલુકાના ધાણીખુંટ ગામે આરોગ્ય વિભાગની ટીમોને દોડાવવાની ફરજ પાડી હતી અને દવાનો છંટકાવ કરવા સાથે હવે સર્વે ની કામગીરીમાં લાગી ગયા છે.
શંકાસ્પદ કેસ મળી આવતા ભરૂચ જીલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ (ચાંદીપૂરા) રોગ અન્વયે અટકાયતીના ભાગરૂપે આરોગ્યની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.તે સાથે- સાથે આરોગ્ય વિભાગ,મહિલા અને બાળ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસથી ભરૂચ જીલ્લાની તમામ આંગણવાડીઓ તેમજ પ્રાથમિક શાળાઓમાં બાળકો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચાંદીપુરા રોગ વિશે,
તે કંઈ રીતે ફેલાઈ છે,તેના લક્ષણો શું છે,તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય, તેના સાવચેતીના પગલાં અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે જાણકારી આપવામાં આવી રહી છે.તે સાથે ચાંદીપુરા રોગ વિશેની તમામ માહિતીના પ્લેમ્પલેટ પણ જાહેર સ્થળોએ, શાળાઓમાં લગાવીને જાણકારી આપવામાં આવી રહી છે.