૨.૪ કરોડના ખર્ચે અત્યાધુનિક ધંધુકા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ધંધુકા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ
પંચયાત રાજયમંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના મહાનુભાવોની સહઉપસ્થિતિ- ધંધુકાના ૮૨ લાભાર્થીઓને પ્લોટ સહાયના હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા
તાલુકા પંચાયતઘરમાં આવતા અરજદારો રજૂઆતોના સંતોષકારક પરિણામ મેળવીને જાય તે દિશામાં કાર્ય કરીએ – કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૮ મહિનામાં ૧૮ તાલુકા પંચાયત અને ૨ જિલ્લા પંચાયત ભવનના નવીન બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી – પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજા
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ૨.૪૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવીન તાલુકા પંચાયત ભવનનું કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા, રાજ્ય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
ધંધુકા તાલુકાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરીને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાએ સર્વે અધિકારીઓને અરજદારોની રજૂઆતોના સંતોષકારક પરિણામ આવે તે દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં ખરા અર્થમાં મહિલા સશક્તિકરણની નેમ સાકાર થઇ રહી હોવાનું જણાવી મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની દીકરીઓ માટેની બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કસ્તુરબા ગાંધી યોજના તેમજ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને વિદેશ શિક્ષણ માટેની વિવિધ યોજના અંગેની માહિતી આપી હતી. તેઓએ આ પ્રસંગે દીકરીઓને સુરક્ષા કાજે દેશમાં 708 અને વિદેશમાં 12 સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતુ.
ગરીબો અને મધ્યમવર્ગીય લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ બન્યા હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનને લોકશાહીનું મંદિર જણાવીને ધંધુકાવાસીઓની જનસુખાકારીમાં આ ભવન વધારો કરશે તેવો ભાવ પ્રગટ કર્યો હતો.
મંત્રીશ્રીએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના સંદર્ભે કહ્યું કે, નરેન્દ્રભાઇના દિશાનિર્દેશોના પરિણામે આજે ગુજરાતમાં અવ્યવસ્થાઓનો ભૂતકાળ સુશાસનના પરિણામે સુદૃઢ વ્યવસ્થાઓના વર્તમાનમાં પરિણમ્યો છે.
તેમણે કાર્યક્રમના માધ્યમથી સર્વે નાગરિકોને પ્રિકોશન ડોઝ મેળવીને કોરોના સામે સુરક્ષિત બનવા અનુરોધ કર્યો હતો.
પંચાયત રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશભાઇ મેરજાએ તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, છેલ્લાં 8 મહિનામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા રાજ્યમાં 18 નવિન તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રની તાલુકા પંચાયત ભવનમાં સોલર રૂફ ટોપની નવતર પહેલને આવકારીને પંચાયત પરિસરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવીને વરસાદી પાણીનો સંચય કરવા અનુરોધ કર્યો હતો.
પૂર્વ શિક્ષણ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ પ્રસંગે ગુજરાતમાં થયેલ 20 વર્ષના વિકાસને પ્રજાના અતૂટ વિશ્વાસનું પરિણામ હોવાનું જણાવ્યું હતુ.
ધંધુકા તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ધંધુકાના 82 લોકોને પ્લોટ સહાયના હક્ક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રમેશભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી લાલજીભાઇ મેર, ભરતભાઇ પંડ્યા, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઇ ધામેલીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. -અમિતસિંહ ચૌહાણ