કોરોના વેક્સિનના નવા ડોઝ અઠવાડિયા પછી આવી જશે
અત્યારે કોવિશિલ્ડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ કે સેકન્ડ ડોઝ લેવા અર્બન હેલ્થ સેન્ટરનો ધક્કો ખાશો નહીં
અમદાવાદ, ચીનમાં કોરોનાવા મહામારીએ હાહાકાર મચાવ્યો છે. હવે ચીન ઉપરાંત અમેરિકા, જાપાન, કોરિયા, હોંગકોંગ, સિંગાપોર અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ ફેલાયો છે. આવા દેશોમાંથી આવનારા પેસેન્જરો માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આરટીપીસીઆરનો ટેસ્ટ નેગેટિવ આવે તે તા.૧ જાન્યુઆરી-૨૦૨૩થી ફરજિયાત કરાયું છે. આપણા દેશ માટે આગામી ૪૦ દિવસ કોરોનાના સંદર્ભે તબીબો દ્વારા જાેખમી ગણાવાયા છે.
જાેકે ચીનમાં કોરોનાએ મચાવેલી તબાહીના સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયો નિહાળીને અમદાવાદીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે. જે અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનનો સેકન્ડ કે બૂસ્ટર ડોઝ લેવા માટે આખા દિવસમાં આઠ-દસ લોકો પણ જતા નહોતા તેની જગ્યાએ લોકોએ લાઈનો લગાવી દીધી હતી. લોકોમાં તો વેક્સિનનો ડોઝ લેવાનો ઉત્સાહ જાેવા મળ્યો છે, પરંતુ તંત્ર પાસે ડોઝ ખૂટી પડ્યા હોઈ તેના નવા ડોઝ આવતા હજુ એક અઠવાડિયું લાગશે તેવી વિગત જાણવા મળી છે.
અમેરિકામાં ઓમિક્રોનના જાેખમી સબવેરિએન્ટ એક્સબીબી ૧.૫એ આતંક મચાવ્યો છે અને આ ખતરનાક વાઈરસનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે. આ નવો વેરિએન્ટ ૧૨૦ ગણી ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવે છે. આનાથી લોકોના હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ વધ્યું હોય તે દર્દીની ઇમ્યુન સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડે છે. ગુજરાત અને ઓડિશામાં ચીનમાં પ્રકોપ ફેલાવનાર બીએફ.૭ના કેસ પણ નોંધાઈ ચૂક્યા છે.
એક તરફ ગુજરાતમાં એક્સબીબી ૧.૫ના કેસ નોંધાઈ ચૂક્યા હોઈ તબીબી જગતમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે, બીજી તરફ અમદાવાદીઓ પણ કોરોના વિશ્વમાં નવેસરથી પ્રસર્યાે હોઈ સ્વયંભૂ રીતે વેક્સિનેશનને મહત્ત્વ આપી રહ્યા છે. કોરોના સામે લડત આપવા માટે વેક્સિનેશન જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું તબીબી દૃષ્ટિએ પણ પુરવાર થઈ ચૂક્યું છે. જેના કારણે કોરોનાએ વિદાય લઇ લીધી છે તેવું માનીને જે અમદાવાદીઓ તેમની વેક્સિનના થર્ડ ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝની સદંતર મોં ફેરવી લીધુ હતું તેવા લોકો પણ જાતે જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે બૂસ્ટર ડોઝ લેવા દોડી ગયા હતા.
જાેકે અમદાવાદીઓએ બૂસ્ટર ડોઝ લેવા દાખવેલા ઉત્સાહના કારણે કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ ખૂટી પડ્યા છે, જેના લીધે જે લોકોનો કોવિશીલ્ડ વેક્સિનનો તેમનો સેકન્ડ ડોઝ કે બૂસ્ટર ડોઝ લેવાનો બાકી રહ્યો છે તેવા લોકોએ હજુ એક અઠવાડિયું થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે. બીજા અર્થમાં આ અઠવાડિયામાં નાગરિકોએ તેમની કોવિશિલ્ડ વેક્સિનનો સેકન્ડ કે બૂસ્ટર ડોઝ લેવા માટે ઉત્સાહભેર નજીકના અર્બન હેલ્થ સેન્ટર ખાતે દોડી જવાની જરૂર નથી, કેમ કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ન હોઈ નાહકનો ધરમધક્કો ખાવો પડશે.
મ્યુનિસિપલ હેલ્થ વિભાગ પાસે કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ ઉપલબ્ધ ન હોઈ તે માટે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરાઈ છે. જાેકે તંત્રના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે કોવેક્સિનના ડોઝનો જથ્થો ઉપલબ્ધ છે. આથી જે લાભાર્થીએ કોવેક્સિનનો ફર્સ્ટઅને સેકન્ડ ડોઝ લીધો હોય અને તેનો બૂસ્ટર ડોઝ લેવાનો બાકી હોય તેવા લાભાર્થી નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ તેમનો બૂસ્ટર ડોઝ લઈ શકે છે.
શહેરીજનોમાં બૂસ્ટર ડોઝની જે સ્થિતિ છે તે તંત્રના સત્તાવાર આંકડામાં દર્શાવ્યા મુજબ ખરેખર ચિંતાજનક છે, કેમ કે હજુ પણ ૨૨.૫૦ ટકા અમદાવાદીઓ જ બૂસ્ટર ડોઝથી સુરક્ષિત છે. તંત્રના રેકોર્ડ મુજબ ૧૮થી વધુ વયજૂથના માત્ર ૧૦,૫૨,૭૧૬ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો હોઈ કોવિશિલ્ડ વેક્સિનના નવા ડોઝ આવ્યા બાદ મ્યુનિ.હેલ્થ વિભાગે બૂસ્ટર ડોઝના વેક્સિનેશનનાઅભિયાનમાં ઝડપ દાખવવી પડશે.