Western Times News

Gujarati News

છેતરપિંડી કરવાની નવી તરકીબઃ USDTમાં રોકાણની લાલચ આપી લાખો ખંખેરી લીધા

97 લાખ ગુમાવ્યા સુરતના જમીન દલાલે ઉંચા વળતરની લાલચે

(એજન્સી)સુરત, સુરત શહેરના વરાછા પોલીસ મથકમાં USDTમાં (એક પ્રકારનું બીટકોઈન) રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ૯૭ લાખથી વધુ રૂપિયા પડાવી લઈ યુએસડીટી નહીં આપી ઠગાઈ કરનારા બે લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ હતી.

જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ૫૧ લાખ રૂપિયા રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વરાછા પોલીસ મથકમાં અક્ષયભાઈ હરિભાઈ કપુરીયા નામના ૩૬ વર્ષિય જમીન દલાલે એક ફરિયાદ નોંધાવી હતી. તેમને જણાવ્યું હતું કે, આરોપી કમલેશ ક્યાડા અને ચેતન રંગાણીએ ભેગા મળી મને અને મારા ભાગીદારોને યુએસડીટીમાં રોકાણ કરવાનું કહ્યું હતું.

યુએસડીટીમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે અને પૈસા જ્યારે જોઈએ ત્યારે તમને રોકડામાં મળી જશે તેવું કહ્યું હતું. ચેતન અને કમલેશે એવું પણ કહ્યું કે, ઓછામાં ઓછા એક લાખ ઉપર ક્રિપ્ટો કરન્સી યુએસડિટી લેવા પડશે અને તમે જેવા આંગડિયાથી પેમેન્ટ કરો કે ૧૫થી ૨૦ જ મિનિટમાં વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરી આપવામાં આવશે.

આ વાત સાંભળી અક્ષયભાઈએ આંગડિયાથી પેમેન્ટ કર્યું હતું. વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડમાં આવેલ પીએમ આંગડિયા સર્વિસમાં ૯૭ લાખ ૬૬ હજારથી વધુ રૂપિયા મોકલી આપ્યા હતા. અક્ષયભાઈએ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ચેતન અને કમલેશને માહિતી આપી હતી. ત્યારબાદ યુએસડીટી ટ્રાન્સફર કરવામાં એરર આવતી હોવાના બહાના બતાવી ચેતન અને કમલેશે સમય પસાર કર્યો હતો.

ત્રણથી ચાર દિવસ બાદ પણ અક્ષય ભાઈને પૈસા પરત ન આપી અને યુએસડીટી પણ ટ્રાન્સફર ન કરી ઠગાઈ કરી હતી. જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે વરાછા પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ચૈતન રંગાણી અને કમલેશ કયાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ૫૧ લાખથી વધુ રૂપિયા રિકવર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.