ગુજરાત BJPના પ્રદેશ પ્રમુખ તરીકે મયંક નાયક નક્કી છે?

ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખની નિમણૂંક થઇ કે થશે એવી પ્રવાહી રાજકીય સ્થિતિ છે.આ અંગે ભા.જ. પ.સાથે નિકટતાથી સંકળાયેલા વર્તુળોમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો સંભવિત ચિત્ર એવું ઉપસી રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ તરીકે મયંક નાયકની પસંદગી થવાની શક્યતા ખૂબ ઉજળી છે.
આનું કારણ એ છે કે
(૧)ઃ- મયંક નાયક સામાન્ય મધ્યમવર્ગમાથી આવે છે
(૨)ઃ-નાયક ઓ.બી.સી. વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે
(૩)ઃ-નાયક અમિત શાહની ખૂબ નજીક છે
(૪)ઃ-નાયક છેક નીચેથી ઘડાઇને ઉપર આવેલા કાર્યકર છે
(૫)ઃ- જિલ્લા-શહેર પ્રમુખોની પસંદગી સમિતિનાં તેઓ ચેરમેન પણ છે અને હાં,
(૬)ઃ-દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને જીતાડવા માટે ગુજરાતમાંથી જે ટીમ દિલ્હી ગઈ હતી તેમાં પણ મયંક નાયક હતાં.
આ બધાં વલણ અને પ્રવાહો સૂચવે છે કે મયંક નાયક ભાજપના ભાવિ પ્રદેશ પ્રમુખ છે !
મંત્રીનાં અંગત સચિવની સજાગતા, સમજણ અને સજ્જતા
સચિવાલયમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો ઘટના એવી બની છે સ્વર્ણિમ સંકુલ -૨મા બેસતા અને કેટલાક ખાતાઓનો સ્વતંત્ર હવાલો ધરાવતા એક રાજ્યકક્ષાના મંત્રી પર કેબિનેટ મંત્રીનો ફોન આવ્યો પરંતુ તેઓ હાજર ન હોવાથી તે ફોન અંગત સચિવને અપાયો..
કેબિનેટ મંત્રીએ એક કામ અંગે ભલામણ કરી.પેલા અંગત સચિવ પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ સજાગ અને સરકારી નિયમોના સંપૂર્ણ જાણકાર હતા એટલે તેઓએ કેબીનેટ મંત્રીને સવિનય જણાવ્યું આ કામ અમુક કક્ષાએ પહોંચી ગયું હશે તો અમે કશું નહીં કરી શકીએ અને ઉમેર્યું કે એ સ્થિતિથી દૂર હશે તો અમે બનતું બધું જ કરવા પ્રયત્ન કરશું.
આ પછી કેબિનેટ મંત્રીએ કેસ કઈ કક્ષાએ પડ્યો છે તેની વિગતો મેળવીને પૂનઃ ફોન કરીને તે આપી હતી.એ પછી અંગત સચિવે મદદરૂપ થવા માટે ઘટતું કરવા માટે કેબિનેટ મંત્રીને ખાત્રી આપી હતી.આ ઘટના સૂચવે છે કે મંત્રીઓનાં અંગત સચિવ જો પૂર્ણપણે જાણકાર અને સજ્જ હોય તો તેઓ પોતાના મંત્રીનું ભારણ કંઇક અંશે ઘટાડી શકે છે.
ગાંધીનગરમાં સંસ્કૃતિકુંજ ખાતે યોજાતો વસંતોત્સવ તા.૨૧મી ફેબ્રુઆરીથી શરૂ થશે
ગાંધીનગરના અનેક કલાપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ વસંતોત્સવ આગામી તા.૨૧મી ફેબ્રુઆરી શરૂ થવા જઈ રહ્યો છે. પાટનગરના ‘જ’ રોડ પર આવેલા કુદરતી કોતરોમાં બનાવાયેલા સંસ્કૃતિકુંજમાં આ મહોત્સવ દર વર્ષે યોજાય છે.
તેમાં બપોરે ૨ઃ૦૦ થી રાત્રીના ૧૦ઃ૦૦ સુધી હાટ બજાર ભરાય છે જેમાં વિવિધ અને આકર્ષક વસ્તુઓ વેચવા માટે મુકાય છે અને સાંજે ૭ઃ૦૦ થી ૯ઃ૦૦ દરમિયાન આંતરરાજ્ય લોકનૃત્ય મહોત્સવ યોજાય છે જેમાં જુદા જુદા રાજ્યના અસલી લોકનૃત્ય જોવા મળે છે.
ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની કચેરી દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી યોજાતો આ ઉત્સવ દર વર્ષે સફળતાને વરે છે જે એની વિશિષ્ટતા છે.કમિશનર આલોક પાંડે આ અંગે સુંદર જહેમત ઉઠાવી રહ્યા છે.
કેબિનેટ મંત્રીની તોછડાઈ અને પૂર્વ સાંસદનુ સૌજન્ય અને સલુકાઈ!
ગત તા.૧૦/૦૨/૨૫ના રોજ ભારતીય જનતા પક્ષના કેન્દ્રિય મંત્રી રહી ચૂકેલા અને એકથી વધુ વખત સંસદ સભ્ય તરીકે ચુંટાયેલા એક નેતા સ્વર્ણિમ સંકુલ -૧માં બેસતા એક કેબીનેટ મંત્રીને મળવા અને કંઈક રજૂઆત કરવા ગયા હતા.રજૂઆત સાંભળીને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઉશ્કેરાઇ ગયા હતા અને રજૂઆત કરવા આવનાર ભાજપના સિનિયર નેતાને ખખડાવી નાખ્યા હતા
અને આવાં કામ લઈને શું હાલ્યા આવો છો? એવું પણ કહ્યું હતું તથા આવાં કામ નહીં થાય તેમ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું. રજુઆત કરવા ગયેલા પૂર્વ સાંસદ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સંસ્કારથી ઘડાઈને ભા??.જ.પ.માં આવેલા હોવાથી તેઓએ સંપૂર્ણ સંયમ અને વિવેક જાળવ્યો હતો અને ‘વાતનું વતેસર’ થવા દીધું નહોતું!
અહીં નોંધપાત્ર વાત એ છે કે રજૂઆત કરવા જનાર ભાજપના નેતા રાજ્યના કેબિનેટ મંત્રી કરતા ખૂબ જ સિનિયર અને સંઘના લાડકા છે તેમ છતાં તેઓએ કેબીનેટ મંત્રીએ કરેલાં અપમાનનો કડવો ઘૂંટડો ગળી જવો પડ્યો હતો એ પણ સમયની બલિહારી જ છે હોં!
આર.ટી.ઓ.ના ટેકનીકલ અધિકારીઓની હડતાળમાં કશુંક ભીનું સંકેલાઈ ગયું છે?
તાજેતરમાં ગુજરાત સરકારના વાહનવ્યવહાર કમિશનરની કચેરી હસ્તકની ગુજરાતની તમામ આર.ટી.ઓ.કચેરીના મોટર વેહીકલ ખાતાના ૭૦૦ જેટલા ટેકનીકલ અધિકારીઓ વિજળીક ઝડપે હડતાળ પર ઉતરી ગયા હતા.
‘નો લોગિન ડે’ અભિયાન સાથે કામ બંધ કરી દીધું હતું
તેને કારણે તમાંમ આર.ટી.ઓ. ઓફિસનું બધું કામ એક દિવસ માટે ઠપ્પ થઈ ગયું હતું. પરંતુ એ પછી કોણ જાણે શું ‘કુલડીમાં ગોળ ભંગાયો’ કે આ અધિકારીઓએ હડતાળ સત્વરે પાછી ખેંચી લીધી
અને ‘ભીનું સંકેલાઈ ગયા’ જેવું નિવેદન આપ્યું કે સરકારે અમારા પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપી છે અને આ અંગેની બેઠકની કાર્યવાહી નોંધમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે એટલે અમે આ હડતાળ પાછી ખેંચી લીધી છે.અલબત્ત, સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન નથી અપાયું
હોં!