નવી જંત્રી મુદ્દે સુરતમાં નારાજગી, એક અઠવાડિયામાં જ વાંધા અરજીનો ઢગલો
જિલ્લા કક્ષાની રજૂઆતો અને વાંધા સૂચનોની કલેકટરની અધ્યક્ષતાની સમિતિ ચકાસણી કરશે
સુરત, સુરતમાં નવી સૂચિત જંત્રી સામે છૂપો વિરોધ વાંધા સ્વરૂપે ઝડપથી બહાર આવી રહ્યો છે. હજી આગામી ર૦મી ડિસેમ્બર સુધી વાંધા રજૂઆત કરી શકાય તેમ છે પરંતુ માત્ર એક જ સપ્તાહમાં ૧૦૦થી વધુ વાંધા નવી સૂચિ જંત્રી સામે નોંધાવી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે વર્ષ ર૦ર૪નો નવી જંત્રીનો ડ્રાફટ જાહેર કર્યા છે. જો કે, આ જંત્રી વર્ષ ર૦રપમાં કયારથી લાગુ પડશે તે હજુ સ્પષ્ટ નથી છતાં નવી જંત્રીમાં જે પ્રકારે અનેકગણા ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે તેની સામે રિયલ એસ્ટેટ સેકટરમાં નારાજગીનો માહોલ બનવા માંંડયો છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકારે વર્ષ ર૦૧૧માં જંત્રીના દરોમાં વધારો કર્યા બાદ છેક ગત વર્ષે ર૦ર૩માં જંત્રીના ભાવો બમણાં કરી ૧પ એપ્રિલ ર૦ર૩થી નવા બમણા ભાવો અમલી કરાયા હતા. જો કે, જે તે સમયે બમણાં કરાયેલા ભાવોને કારણે વિરોધ સહિત વિસંગતતાઓ ઉદ્દભવતા છેવટે સરકાર તરફથી નવા જંત્રીના ભાવો સર્વે કરીને જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ૧પ એપ્રિલ ર૦ર૩ બાદ સરકારે તા.ર૦ નવેમ્બરના રોજ રાજ્યમાં નવી જંત્રીનો ડ્રાફટ જાહેર કર્યો હતો.
સરકાર દ્વારા જાહેર થયેલા નવા સૂચિત ભાવો મુજબ સુરત શહેરના કોટ વિસ્તારમાં ખાસ કરીને ભાવોમાં ઘટાડો થયો છે. આ અગાઉ ર૦ર૩માં જાહેર કરાયેલી જંત્રીમાં કોટ વિસ્તારના ભાવો બજાર કિંમત કરતા પણ વધુ હતા જેના કારણે શહેરના કોટ વિસ્તારમાં મિલકતના સોદાઓ અટકી જવા સાથે સરકારને સ્ટેમ્પ ડયુટીની પણ આવકમાં ઘટાડો થયો હતો.
બીજી તરફ સુરત શહેરની આસપાસના નવા વિકસેલા કે વિકસી રહેલા તમામ વિસ્તારોમાં મોટાભાગે જંત્રીના ભાવો બજાર કિંમતની આસપાસ રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા રજૂ કર્યા બાદ આગામી તારીખ તા.ર૦-૧ર-ર૦ર૪ સુધી ઓનલાઈન વાંધા-સૂચન મંગાવ્યા છે. જેથી એક અઠવાડિયામાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી ૧૦૦થી વધુ વાંધા ઓનલાઈન રજૂ થયા છે.
જિલ્લા કક્ષાએ મળેલી આવી રજૂઆતો અને વાંધા સૂચનો સંબંધિત કલેકટરની અધ્યક્ષતાની સમિતિ ચકાસણી કરશે અને યોગ્ય અભિપ્રાય સાથે સક્ષમ કક્ષાએ વિચારણા માટે મોકલશે. મળેલ વાંધા-સૂચનોને ધ્યાને લઈ જંત્રીને આખરી ઓપ આપી રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે.