ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય
દેશ આઝાદ થયા પછી અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલા કોંગ્રેસ અને હવે ભાજપનો એક પક્ષીય પ્રભાવ દેશના અને રાજ્યના રાજકીય, આર્થિક અને સામાજિક જીવન પર રહ્યો છે. આ એક પક્ષ પ્રભાવ કોઈપણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે, જે વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જોહુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનની છે.
જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે. આ જ સ્થિતિ છેલ્લા ૨૭ વર્ષથી એક જ પક્ષના શાસનના કારણે ગુજરાતમાં ઊભી થઈ છે. આવા પરિપ્રેક્ષમાં યુ.કે અને યુ.એસ.એની માફક રાજ્યમાં તુલ્યબળવાળી દ્વિ-પક્ષ પ્રથા (Two party system) સ્થાયી સ્વરૂપ લે તે સમયની માંગ છે અને તે સંદર્ભમાં ગુજરાતમાં પ્રજા વિજય પક્ષનો અર્વિભાવ થયો છે.
દેશમાં અને રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે હવે હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય સ્થાનિક પક્ષો ટકી શકે તેમ નથી.
હિન્દુત્વવાદી ભાજપ સામે તેનાથી પણ સવાયો હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બની શકે છે, જે કામ પ્રજા વિજય પક્ષ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે. હવે એ સમય દૂર નથી કે દર પાંચ વર્ષે ગુજરાતમાં સરકારો બદલાશે અને તે બદલાવ ભાજપ અને પ્રજા વિજય પક્ષ વચ્ચે થશે.
પ્રજા વિજય પક્ષ હિંદુત્વવાદી પક્ષ તરીકે પોતાની એક આગવી ઓળખાણ લઈને મેદાનમાં આવ્યો છે. હિન્દુત્વવાદી ભાજપ ફક્ત રાજસત્તાની આજુબાજુની ભ્રમણ કક્ષામાં જ ફરે છે તેનાથી આગળ કોઈ દર્શન તેની પાસે છે નહીં. જ્યારે પ્રજા વિજય પક્ષ એક નવા રાજકીય અને આધ્યાત્મિક દર્શન સાથે મેદાનમાં ઉતર્યો છે.
તે કહે છે કે રાજ્યમાં અને અંતે દેશમાં રાજ્ય સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. બંનેનું અસ્તિત્વ કાયદાના શાસનથી અંતર્ગત હોય અને બંને એકબીજાના પૂરક બની જાહેર જીવનમાં નૈતિક મૂલ્યને પ્રસ્થાપિત કરી લોકોનું કલ્યાણ કરે તે બાબતે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સંતોનું એક પ્રભાવી આંદોલન ચાલ્યું જેના ફરજંદ રૂપે પ્રજા વિજય પક્ષ પ્રગટ થયો છે.
ફક્ત રાજ્ય સત્તા કેન્દ્રિત ભાજપ દેશ કે રાજ્યનું કલ્યાણ નહીં કરી શકે. ધર્મ સત્તાને મેદાનમાં ઉતારવી જ પડશે જે કામ નવી વૈજ્ઞાનિકતા, આધુનિકતા અને આધ્યાત્મિકતા ને વરેલો પ્રજા વિજય પક્ષ જ કરી શકશે.
પ્રજા વિજય પક્ષ એવું માને છે કે ગુજરાતમાં લોકોને વધારે સારા વહીવટની જરૂર છે. સમાજનો ઘણો મોટો વર્ગ ગરીબી અને બેરોજગારીના ભરડામાં ફસાયેલો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં સામાન્ય વર્ગની હાલત અત્યંત ખરાબ છે. ખેતીવાડી વેપાર અને ઉદ્યોગોમાં પણ વાતો વધારે અને કામ ઓછું છે.
ભ્રષ્ટાચાર તેની પરાકાષ્ઠા એ છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે. ગુંડાઓ અને ગુનેગારોને કોઈની બીક નથી. જ્યારે કાયદાનું પાલન કરીને જીવનારા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે રાજ્યમાં ભાર અને ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય છે.
પ્રજા વિજય પક્ષ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના ઉમેદવારો મુકવાનો ઇરાદો ધરાવે છે. જેમાં જ્યાં શક્ય બને ત્યાં મહિલાઓ અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણીઓ પછી સત્તા હાંસલ કરી કાર્યદક્ષ, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ કરી છેવાડાના નાનામાં નાના માણસોનું કલ્યાણ થાય તેવી મજબૂત સરકાર આપવામાં આવશે.
ટૂંકમાં પ્રજા વિજય પક્ષ ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારનો સફાયો કરી નિર્ભય પ્રજા રાજની સ્થાપના કરવા માટે મેદાનમાં ઉતર્યો છે. પ્રજા વિજય પક્ષ એ પ્રજાનો પોતાનો એકમાત્ર પક્ષ છે. જે ગુજરાત અને દેશમાં લોકશાહી મૂલ્યોનું જતન કરી લોકોને નિર્ભય બનાવી ગુજરાતને અભૂતપૂર્વ પ્રગતિના પંથે આગળ ધપાવશે.