Western Times News

Gujarati News

વર્ષ 2011થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઇઓ ઉમેરાઈ

અપીલમાં વિલંબ અટકાવવા રાજ્ય સરકારે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને  કમીટીનું ગઠન કર્યું;  કમિટીનો નિર્ણય આખરી ગણાશે

ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં નવી જોગવાઈ ઉમેરવાથી સરકારના સમયનાણાં તેમજ શક્તિનો બચાવ થશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ ૨૦૧૧થી અમલમાં આવેલી ગુજરાત સ્ટેટ લીટીગેશન પોલીસીમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાકી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. વખતો વખતની સમિક્ષા અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ સંદર્ભે હાલની પોલીસીમાં કેટલાક સુધારાઓ કરવાની જરૂરિયાતના આધારે વિવિધ જોગવાઈ ઉમેરવામાં આવી છે.

મંત્રી શ્રી પટેલે જોગવાઈની માહિતી આપતા જણાવ્યું કે, એકાઉન્ટીબીલીટી એટલે કે અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે જોગવાઇ ઉમેરવામાં આવી છે. જે કેસ ગુણદોષનાં આધારે મજબૂત હોય તેમ છતાં, અધિકારીની બેદરકારી કે પૂરતી માહિતી ન આપવાનાં કારણે જે પરિણામ આવે તેવા સંજોગોમાં અધિકારીની જવાબદારી નક્કી કરી, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તેવું આ જોગવાઇમાં સૂચન કરાયું છે.

તેમણે ઉમેર્યું કે, અપીલમાં વિલંબ અટકાવવાની જોગવાઈ અંતર્ગત જ્યારે કોઈ ચૂકાદો રાજ્યની કોઈ પ્રવર્તમાન નીતિને અસરકરતાં હોય, ત્યારે કાયદા વિભાગના અભિપ્રાયથી દરખાસ્ત કરનાર વિભાગ સહમત ન હોય ત્યારે શું કાર્યવાહી કરવી તેની જોગવાઈ ઉમેરવામાં આવી છે.

આવા કિસ્સામાં સરકાર દ્વારા એક કમીટીનું ગઠન કરાયું છે, જેનો નિર્ણય આખરી ગણાશે. આ કમીટીમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવશ્રી અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત નાણા વિભાગ સચિવ, સામાન્ય વહીવટી વિભાગના સચિવ, કાયદા વિભાગના સચિવ અને જે વિભાગે દરખાસ્ત કરી હોય તે વિભાગના સચિવ કમિટીના સભ્ય રહેશે.

સ્ટેટ લીટીગેશન પોલીસીમાં સુધારા કરવાથી સરકારપક્ષનાં જે કેસો સારા છે, તે કેસોને ત્વરિત મોનિટરીંગ કરી શકાશે. સાથે જ વિલંબનાં કારણે થતું નુકસાન અટકાવી શકાશે. આ સુધારા થકી વિલંબ કરનાર જવાબદાર સામે અસરકારક પગલાં ભરી શકાશે. આ સ્ટેટ લીટીગેશન પોલીસી થકી સરકારના સમય, નાણાં તેમજ શક્તિનો બચાવ થશે, તેમ તેમણે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.