સુગર મિલોમાં શેરડીના નવા ભાવ જાહેર થયાઃ ટનદીઠ મળેલા ભાવ ખૂબ જ નીચા

જમીન ખેડવાથી લઈને મજૂરી, રાસાયણિક ખાતર, દવા સહિતના ભાવો વધતા ઉત્પાદન ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સામે ખેડૂતોને શેરડીના ટનદીઠ મળેલા ભાવ ખૂબ જ નીચા હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
સુરત, દક્ષિણ ગુજરાતની સુગરમિલોએ પિલાણ સિઝન ર૦ર૪-રપની શેરડીના ટનદીઠ નવા ભાવ જાહેર કર્યા હતા. કામરેજ સુગરે જાન્યુઆરીથી ઓકટોબર મહિના સુધી કાપણી થયેલી શેરઠીના ટન દીઠ ભાવ ૩૪૮૧ રૂપિયા, મઢીએ ૩૩પ૧, બારડોલીએ ૩પ૦ર રૂપિયા, સાયણે ૩૪૧૬, મહુવાએ ૩ર૩૩, ચલથાણ સુગરે ૩૧૭૬, ગણદેવી સુગરે ૩પપ૧ રૂપિયાનો ભાવ જાહેર કર્યો હતો.
શેરડીના ઉંચા ભાવ પાડવાની રેસમાં કામરેજ અને મઢી સુગર સૌથી આગળ રહી છે. જયારે ચલથાણ અને ગણદેવી સુગર રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. કામરેજ સુગરે ગતવર્ષની સરખામણીએ ઓકટોબરથી જાન્યુઆરી સુધીના ભાવમાં ૧૩૦ રૂપિયાનો વધારો જયારે મઢીએ ૧ર૬ રૂપિયાનો વધારો સભાસદોને આપ્યો હતો
જયારે બારડોલી સુગરે ગતવર્ષ કરતાં ૭૯ રૂપિયા, સાયણ સુગરે ૬૦, મહુવાએ ૩૮ રૂપિયાનો વધારો આપ્યો હતો. જયારે ચલથાણ સુગરે ગતવર્ષ કરતાં ૩૦ રૂપિયા અને ગણદેવી સુગરે પ૧ રૂપિયા ઓછો ભાવ જાહેર કર્યો હતો.
જમીન ખેડવાથી લઈને મજૂરી, રાસાયણિક ખાતર, દવા સહિતના ભાવો વધતા ઉત્પાદન ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેની સામે ખેડૂતોને શેરડીના ટનદીઠ મળેલા ભાવ ખૂબ જ નીચા હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
જાહેર થયેલા ભાવ પણ ખેડૂતોની ધારણા કરતાં ખૂબ જ નીચા હોવાથી ખેડૂતોએ સુગરના ચેરમેન અને ડિરેકટરોને કોલ કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. સુગરમિલોના કારભારીઓએ ગતવર્ષ કરતાં ૩૮ થી લઈને ૧ર૬ રૂપિયાનો વધારો જાહેર કરવાનું મુનાસિબ માન્યું હતું. આ ભાવ વધાર ખેડૂતોની દોડધામ-મહેનત અને મોંઘવારી સામે ખૂબ જ ઓછો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.