Western Times News

Gujarati News

પ્રોટિનનું પ્રમાણ વધારે હોય તેવા ઘઉં વિકસાવાયાઃ ગુજરાતમાં ૪૪ વર્ષ બાદ ફરી થઈ હરિત ક્રાંતિ

ભંડાર ભરાય તેવા નવા પ્રકારના ઘઉંની જાતિ વિકસાવવામાં આવી-ઘઉંની નવી લોક-૭૯ જાત વિકસાવી, તેમાં પ્રોટિનનું પ્રમાણ વધારે

ભાવનગર,  હરિત ક્રાંતિ…આ શબ્દ કદાચ આજના યુવાનોને ખબર નહીં હોય પરંતુ ખેડૂતો તેનાથી સારી રીતે માહિતગાર હશે. જે દેશમાં અનાજની અછત હતી તે દેશમાં એવી હરિત ક્રાંતિ થઈ કે અનાજના કઠોર છલકાઈ ગયા. એ હરિતક્રાંતિમાં જેમણે સૌથી મોટું યોગદાન આપ્યું હતું અને ઘઉંની સૌથી સફળ જાત વિકસાવી હતી.

તે લોકભારતી સંસ્થાએ ઘઉંનું વધુ એક નવી જાત વિકસાવી છે. આ એવી જાત છે જે ગુણવત્તામાં સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. દેશને આઝાદી મળી પણ આપણો દેશ ખેતીમાં એટલો પછાત હતો કે મોટા ભાગનું અનાજ આયાત કરવું પડતું હતું. ખેડૂતો ટેક્નોલોજી અને મૂડના અભાવે મોટી ક્રાંતિ કરી શકે તેમ ન હતા.

ત્યારે દેશમાં હરિતક્રાંતિ થઈ. આ એવી ક્રાંતિ હતી જેણે દેશમાં અનાજનો કોઠાર છલકાવી દીધો. જે ભારત પહેલા અનાજ અયાત કરતું હતું તે નિકાસ કરતું થઈ ગયું. દેશના ખેડૂતોની આ ક્રાંતિને હરિત ક્રાંતિ કહેવામાં આવે છે. આ હરિત ક્રાંતિમાં જેણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું તે ભાવનગર જિલ્લાની લોક ભારતી વિદ્યાપીઠ. તે સમયે લોક-૧ નામની ઘઉંની જાતે એક અલગ ક્રાંતિ સર્જી હતી અને દેશના અનેક ખેડૂતોએ આ ઘઉંનું વાવેતર કરી ઘઉંના ભંડાર ભરી દીધા હતા.

જે લોક ભારતીએ ૪૪ વર્ષ પહેલા લોક-૧ ઘઉંની ભેટ આપી હતી તે લોકભારતી વિદ્યાપીઠે લોક-૭૯ નામની જાત વિકસાવી છે. આ વિશે લોકભારતી સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી અરુણ દવે જણાવે છે કે, ૪૪ વર્ષ બાદ વિકસાવેલી આ જાતને સરકારની પણ મંજૂરી મળી જતાં કૃષિ વિજ્ઞાનિકોની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. લોક-૭૯ ઘઉં વધુ ઉત્પાદકતા નહીં પણ ગુણવત્તા આધારિત સંશોધન છે.

જેમાં ૧૨.૯ ટકા પ્રોટીન, ૪૪.૪ ટકા આયર્ન અને ૪૨.૩૫ ટકા ઝીંક છે, એટલે કે આ ઘઉં જરૂરી પોષકતત્વોથી ભરપૂર છે, જે કુપોષણની અવસ્થામાં ઘટાડો કરવામાં મહત્વનો ભાગ આવનારા સમયમાં ભજવશે. અગાઉની સંશોધન કરેલી લોક-૪૫ અને લોક-૬૨નું ક્રોસ બ્રિડિંગ કરીને લોક-૭૯ને વિકસિત કરવામાં કૃષિ વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે.

લોકભારતી સંસ્થાના બ્રિડર પ્રેમ જોશી કહે છે કે, ગામડાઓના સ્થાયી વિકાસ માટે સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ૧૯૫૩થી કાર્યરત છે. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખેતી, વેપાર અને ધંધા રોજગાર તેમના જ વિસ્તારમાં પ્રાપ્ત થાય અને લોકો શહેરો તરફ દોટ ન મૂકે, તેવા ખાસ અભિગમથી કામ કરી રહી છે.

આ સંસ્થાના મોટાભાગના અભ્યાસક્રમો કૃષિ, બાગાયતી અને ગોપાલન આધારિત હોય છે, આવા અભ્યાસક્રમ હેઠળ અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ સમૃદ્ધ ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રમાં સ્વખર્ચે કામ કરતી દેશની એકમાત્ર સંસ્થા છે. ૪૪ વર્ષ પહેલા આ સંસ્થાએ વિકસાવેલી ઘઉંની લોક-૧ જાતને દેશના ૧૬ રાજ્યો વાવેતર કરે છે. અંદાજિત ૩૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે અને આ ઘઉંની નિકાસ પણ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.