Western Times News

Gujarati News

એલ.ડી. એન્જિનિયરિંગ કેન્ટીનમાં સ્વાદિષ્ટ ભોજન પીરસતા નાંદેજ ગામનાં આત્મનિર્ભર મહિલા પૂનમબહેન પરમાર

સામાન્ય ભણતર અને અસામાન્ય જુસ્સો ધરાવતી મહિલાઓ સરકારની નાણાકીય લોન સહાયથી બની શકે છે આંત્રપ્રેન્યોર-ગોપી સખી મંડળથી ગોપી ફાસ્ટ ફૂડ કેટરિંગ સર્વિસ સુધી પહોંચવાની પૂનમબહેનની સફર કોઈપણ મહિલા માટે પ્રેરણાદાયક

નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન યોજના હેઠળ ચાલતા સખી મંડળથી મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધતું ગુજરાત

અમદાવાદમાં આવેલી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની વિધાર્થીઓથી ભરેલી કોલેજ કેન્ટીન; આ કેન્ટિનમાં જેવા પ્રવેશ કરશો કે નાસ્તા અને ભોજન સાથે વાતો કરતા વિદ્યાર્થીઓ અને તેમને પ્રેમથી જમાડતા કેન્ટિનના મેનેજર પૂનમબહેન નજરે પડશે. કેન્ટિનમાં ગોપી ફાસ્ટ ફૂડ નામથી તેઓ પોતાનો કેટરિંગનો વ્યવસાય ચલાવે છે.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના નાંદેજ ગામના આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસથી ભરપૂર, સુશ્રી પૂનમબહેન પિયુષભાઈ પરમાર દસમા ધોરણ સુધી જ ભણેલાં છે, પરંતુ તેમની વ્યાવસાયિક બુદ્ધિ અચરજ પમાડે તેવી છે! તેઓ નાંદેજ ગામની દસ બહેનો સાથે મળીને પોતાના જ ગામમાં ગોપી સખી મંડળ એટલે કે, ગોપી સ્વસહાય જૂથ ચલાવે છે. નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન યોજનામાં સખી મંડળ થકી મળેલી ત્રીસ હજાર રૂપિયાની સહાયથી પૂનમબહેને પોતાની આત્મનિર્ભરતા તરફની સફર માંડી હતી.

સખી મંડળની સહાય પ્રાપ્ત થયા પહેલા પૂનમબહેન અમદાવાદમાં પોતાનું એક નાનું ભોજનાલય ચલાવતાં હતાં, જેમાં તેમને સફળતા મળી ન હતી. ત્યારબાદ પૂનમબહેને વર્ષ 2021માં કોરોના કાળ પછી પોતાના જ ગામમાં એક નાસ્તાની દુકાન શરૂ કરી હતી. દસ્ક્રોઈ તાલુકા પંચાયતમાંથી એન.આર.એલ.એમ. યોજનાની કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની સહાય મળતા પૂનમબહેને વર્ષ 2025માં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની કેન્ટિનમાં પોતાનો કેટરિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. 

એન.આર.એલ.એમ. યોજના હેઠળના સખી મંડળમાં એટલે કે, સ્વ સહાયમાં જોડાયેલી બહેનોને સરકાર તરફથી રોજગારી ઉત્પાદન માટે આર્થિક સહાય મળવાપાત્ર હોય છે. આ આર્થિક સહાયનો ઉપયોગ કરી રોજગારી મળી શકે છે તેવી માહિતી પ્રાપ્ત થયા બાદ નાંદેજ ગામની બહેનો દ્વારા ગોપી સખી મંડળની શરૂઆત કરવામાં આવી હતી.

ગોપી સખી મંડળમાં કાર્યરત બધી બહેનો મળીને સખી મંડળમાં બચત કરે છે અને બધી બહેનો પોતપોતાની રીતે અલગ અલગ કામગીરી કરી રોજગારી મેળવે છે.

પૂનમબહેન પોતાની ગોપી ફાસ્ટ ફૂડ કેટરિંગ સર્વિસ દ્વારા ખૂબ જ સુંદર રીતે એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ કેન્ટીનનું સંચાલન કરે છે. આઠ થી દસ લોકોની મદદથી ચાલતા આ કેન્ટીનમાં જરૂરી બધી વસ્તુઓ અને વ્યવસ્થાનું ધ્યાન પૂનમબહેન જાતે જ રાખે છે. ક્યારેક તેમના બાળકો પણ કેન્ટીનના સંચાલનમાં તેમને સાથ આપે છે. સવારે 07:30થી સાંજના 09:00 વાગ્યા સુધી ખુલ્લી રહેતી આ કેન્ટિનમાં ગુજરાતી થાળી, પંજાબી થાળી અને કાઠિયાવાડી થાળી સાથે દાબેલી, વડાપાંઉ, સેન્ડવીચ, મસ્કાબન, ખમણ, ઢોકળા, ઈડલી- ઢોંસા, દાળ પકવાન વગેરે જેવી અવનવી વાનગીઓ નજીવા ભાવે મળે છે. 

એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં નિયમિત ચાલુ રહેતી આ કેન્ટીનમાં હંમેશા વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. આ કેન્ટીનમાં મળતા ભોજન અને નાસ્તા હંમેશા વિદ્યાર્થીઓના પસંદગી મુજબના હોય છે. ઘર જેવું સાત્વિક અને સાદુ ભોજન પીરસનાર પૂનમબહેન આ કેન્ટિનમાં અન્ય નવ લોકોને રોજગારી પૂરી પાડે છે. કેન્ટીન થકી પૂનમબહેનનો રોજનો વકરો અંદાજે દસ હજાર આસપાસ રહે છે.

ગોપી સ્વસહાય જૂથના પૂનમબહેન સહિત અન્ય મહિલાઓ માટે નાણાકીય અને સામાજિક બંને પરિબળો પડકારરૂપ હતા. સરકાર તરફથી મળતી નાણાકીય લોન સહાય દ્વારા ગોપી સ્વસહાય જૂથના મહિલા પૂનમબહેનના જીવનમાં આર્થિક સદ્ધરતા આવી.

સ્વરોજગારી દ્વારા આજીવિકા મેળવી નાંદેજ ગામની સામાન્ય મહિલા આંત્રપ્રેન્યોર બની આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. પૂનમબહેન પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાના વ્યવસાયની સીમાઓને વિસ્તારવા માગે છે. મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધતા ગુજરાતમાં પૂનમબહેન જેવી મહિલાઓ પોતાનું આગવું યોગદાન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.