ICAIનાં નવા ક્વોલિફાય થયેલા CA માટે કેમ્પસ ઓરિયેન્ટેશન કાર્યક્રમ યોજાયો
• કેમ્પસ પ્લેસમેન્ટ માટે 10,250 જગ્યાઓ સામે 9,850 નવા ક્વોલિફાય થયેલા સીએની અરજીઓ આવી
• લઘુત્તમ રૂ. 9 લાખથી મહત્તમ રૂ. 36 લાખનું વાર્ષિક પેકેજ ઓફર થયું
અમદાવાદ, 09, ઑગસ્ટ, 2022: ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) ની કમિટી ફોર મેમ્બર્સ ઈન ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ (સીએમઆઈ એન્ડ બી) દ્વારા અમદાવાદ કેન્દ્રમાં આજે મે, 2022માં લેવાયેલી સીએ ફાયનલની પરીક્ષામાં નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે કેમ્પ્સ ઓરિયેન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના 320 સહિત ગુજરાતનાં 650 જેટલા નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ભાગ લીધો હતો.
અમદાવાદ કેન્દ્રમાં યોજાયેલા કેમ્પસ ઓરિયેન્ટેશન કાર્યક્રમમાં આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટી, કમીટી ફોર મેમ્બર્સ ઈન ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસનાં ચેરમેન સીએ રણજીતકુમાર અગ્રવાલ, તેમજ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યનાં ઉચ્ચ શિક્ષણ વિભાગનાં
કમિશ્નર શ્રી એમ નાગરાજન, આઈએએસ, આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહ, વાઈસ ચેરપર્સન સીએ (ડો.) અંજલિ ચોક્સી અને સેક્રટરી સીએ નીરવ અગ્રવાલ તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે આઈસીએઆઈનાં વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ આઈસીએઆઈ અને તેના કાર્યક્ષેત્ર તેમજ કેમ્પસ ઓરિયેન્ટેશન પ્રોગ્રામ વિશે જાણકારી આપી હતી.
સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, મે, 2022માં લેવાયેલી સીએ ફાયનલની પરીક્ષામાં 12,500 ઉમેદવારો પાસ થયા હતાં. તેમના માટે દેશભરમાં આઈસીએઆઈનાં કુલ 30 કેન્દ્રોમાં કેમ્પસ ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે.
આઈસીએઆઈની સીએમઆઈ એન્ડ બીનાં ચેરમેન સીએ રણજીતકુમાર અગ્રવાલે નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં કેમ્પસ ઓરિયેન્ટેશન કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે કુલ ૯૮ કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લીધો છે અને 10,250 જેટલી જોબ્સની ઓફર કરી છે. રસપ્રદ બાબત એ છે કે 10,250 જેટલી ઓફરની સામે 9850 સીએનું રજિસ્ટ્રેશન થયું છે, જે દર્શાવે છે કે જુદા જુદા ક્ષેત્રોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની માંગ સામે પુરવઠો ઓછો છે.
સીએ રાણજીતકુમાર અગ્રવાલે જણાવ્યું કે, આ વર્ષે કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ લઈ રહેલી કંપનીઓએ ભારતમાં લઘુત્તમ વાર્ષિક રૂ. 9 લાખ અને મહત્તમ વાર્ષિક રૂ. 32 લાખનાં પેકેજની ઓફર કરી છે. જ્યારે તોલારામ ગ્રુપે વિદેશ માટે વાર્ષિક રૂ. 36 લાખનાં પેકેજની ઓફર કરી છે.
તેમણે જણાવ્યું કે, વિદેશમાં અને ખાસ કરીને મધ્યપૂર્વનાં અખાતી દેશોમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્સની ભારે માંગ છે. હાલમાં મધ્યપૂર્વનાં દેશોમાં 6000થી પણ વધુ સીએ કાર્યરત છે.
આ કેમ્પસ પ્લેસમેન્ટસમાં ભારતની ખાનગીક્ષેત્રની ટોચની કંપનીઓ, ફિનટેક કંપનીઓ પીએસયુ, સ્ટાર્ટઅપ કંપનીઓ, બેન્કીંગ અને ફાયનાન્સ તેમજ અન્ય ક્ષેત્રની કંપનીઓએ ભાગ લીધો છે. હાલમાં આઈસીએઆઈનાં કુલ નવ મોટા કેન્દ્રોમાં આ કાર્યક્રમ યોજાયો છે. જે બાકીનાં 21 કેન્દ્રોમાં લઈ જવામાં આવશે, તેમ સીએ અગ્રવાલે જણાવ્યું હતું.
આઈસીએઆઈની સીએમઆઈ એન્ડ બીનાં ચેરમેન સીએ રણજીતકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, તા. 24 ઓગસ્ટથી તા. 31 ઓગસ્ટ, 2022 દરમિયાન ભારતભરના 30 કેન્દ્રોમાં નવા ક્વોલિફાય થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમ યોજાશે. જેમાં કંપનીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉમેદવારનો ઈન્ટરવ્યુ લેશે.
નવા ટ્રેન્ડસ અંગે માહિતી આપતા સીએ રણજીતકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અને વેબ 3.0 જેવા નવા ટ્રેન્ડસ આ વર્ષે જોવા મળ્યા છે. આ ઉપરાંત લિટિગેશન, કન્સલટન્સી અને સોલ્યુશન જેવા ટ્રેન્ડસ પણ આકર્ષણનું કેન્દ્ર છે.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, આજે યોજાયેલા કેમ્પસ ઓરિયેન્ટેશન કાર્યક્રમમાં ચાર વિષયોને આવરી લેવામાં આવ્યા હતાં. જેમાં કોર્પોરેટ વિશ્વની અપેક્ષાઓ, સેલ્ફ મોટિવેશન વીથ કોન્ફીડેન્સ અને કોમ્યુનિકેશન સ્કીલ્સ વગેરેનો સમાવેશ થાય છે.
કેમ્પસ પ્લેસમેન્ટ કાર્યક્રમ અંગે સીએ બીશન શાહે જણાવ્યું હતું કે મે 2022માં ઉતીર્ણ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટેનાં કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ 98 કંપનીઓમાંથી ગુજરાતની નવ કંપનીઓ છે. દેશભરમાં કુલ 10,250 કેમ્પસ પ્લેસમેન્ટ વેકન્સીઝમાં અમદાવાદ કેન્દ્રમાં 139 વેકન્સીઝ ઓફર થઈ છે.