Western Times News

Latest News from Gujarat India

પડું પડું થતાં જર્જરિત ઘરોમાં જોખમ લઇને પરિવાર સાથે રહેતા હતા-આવાસ યોજના હેઠળ પાકું મકાન મળ્યું

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકું સલામત અને સુવિધાવાળું ઘર મળતાં જીવનમાં પહેલીવાર નિરાંત હાશ અને સુરક્ષાની લાગણી અનુભવી

પ્રધાનમંત્રી આવાસ યોજના દેશના લાખો ગરીબ પરિવારો માટે કલ્યાણકારી નીવડી છે-લાકડાનાં ટેકે ઊભાં જર્જરિત મકાનો મળ્યો, PMAYના ટેકાથી પાકા મજબૂત અને સલામત બની રહ્યાં છે

દેશના ૨૪ લાખથી વધુ લોકોને મળ્યા તેમના સ્વપ્નના ઘર-ભલું થાજો સરકારનું એની યોજનાથી જીવનના ૫૬માં વર્ષે નિરાંત થાય એવું ઘરનું ઘર મળ્યું.. સુધીરભાઈ રાજપૂત

(આલેખન – શીતલ પરમાર)  વડોદરા, સરકારી યોજનાઓનો મૂળભૂત આશય ગરીબ અને અકિંચન પરિવારોને આધાર આપીને એમનું જીવન બદલવાનું છે.પરિસ્થિતિ બદલવામાં સફળતા મળે ત્યારે જ કલ્યાણ યોજના સાર્થક થઈ ગણાય. વડોદરા શહેરના અનુક્રમે બરાનપુરા અને પત્થરગેટ વિસ્તારમાં રહેતા સુધીરભાઈ રાજપૂત અને મીતેશભાઈ બુમિયા સરકારી યોજનાથી જીવનમાં સકારાત્મક બદલાવ ની ગવાહી આપે છે.

આ બંને અત્યાર સુધી સાવ જર્જરિત, ગમે ત્યારે પડી જશે એવી ધાક લાગે, દિવસે ચેન ના પડે અને રાત્રે જર્જરિત છતના નીચે ઊંઘના આવે હાલતમાં એમના પરિવારો જીવતા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ એમના જીવનમાં સકારાત્મક બદલાવ આણ્યો છે.આ યોજના હેઠળ એમને પાકું, ટકાઉ, સલામત અને સુવિધાજનક ઘર મળ્યું છે. હવે તેઓ નિરાંતે તેમાં રહી શકે છે.

દેશના ગરીબ તેમજ માધ્યમ વર્ગના પરિવારોની સુખાકારી તથા સુરક્ષિત રહેઠાણો પુરા પાડવાના હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ તકનીકીઓનો ઉપયોગ દ્વારા બાંધકામ થકી વ્યાજબી ભાવે સ્વપ્નનુ ઘર આપીને આશરે ૨૪ લાખ પરિવારોને સાંકળી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દરેક લાભાર્થીને રૂ.૩.૫૦ લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી. આ યોજનામાં સમાજના મુખ્યત્વે ઓછી આવકવાળા તથા મધ્યમ આવકવાળા સમુહોને પ્રાથમિકતા આપીને આવરી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન અંતર્ગત ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી દેશમાં બેઘર, કાચા મકાન, જર્જરિત મકાન ધરાવતા તથા ઓછી આવકવાળા દરેક પરિવારોને પોતાનું ઘર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ૪.૬ લાખ ઘરો બનાવીને સુવિકસિત કરવામાં આવ્યા.

તો બીજી તરફ ક્રેડીટ લીંક સબસીડી સ્કીમ અંતર્ગત ૮.૧૮ લાખ લોકોને ૨.૭ લાખ સુધીની વ્યાજ સબસીડી આપીને શહેરી ગરીબોની પાયાની તમામ જરૂરિયાતો તથા સારું ગુણવત્તાયુકત જીવન આપીને ટકાઉ વિકાસને વેગ આપ્યો હતો.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ઓછી અને મધ્યમ આવક વાળા સમૂહોના તથા શહેરી ગરીબોના ઉત્કર્ષ માટે ખુબજ કલ્યાણકારી નીવડી છે ત્યારે વડોદરા શહેરના બરાનપુરામાં રહેતા સુધીરભાઈ ઠાકોરભાઈ રાજપૂત જણાવે છે કે તેઓ ૫૬ વર્ષે પોતાનું ઘર બનાવી શક્યા છે. તે પહેલાં તેઓ જૂના તથા તદ્દન જર્જરિત ઘરમાં રહેતા હતા.

ઘરમાં છત લાકડાઓના ટેકાના સહારે હતી અને છત ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં હતું. વરસાદમાં છત પરથી ઘરમાં ખુબજ પાણી પડતું અને ઘર ગમે ત્યારે પડશે અને જીવહાની થશે તેવો ડર રહેતો. ઉનાળામાં કાળજાળ ગરમી તેમના માટે વધુ દુઃખદાયી બનતી. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. અને તેમની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ ભયજનક સ્થિતિ હોવા છતાં નજીકના ભવિષ્યમાં પોતાનું ઘર બાંધી શકે તેમ ન હતાં.

તદુપરાંત દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો આભાર માનતા કહ્યું કે તેમના પ્રધાનમંત્રી આવાસ યોજના કારણે  જીવનના ૫૬ વર્ષ પછી તેઓ પોતાનું પાક્કું ઘર બનાવી શક્યા અને વધુ જણાવતાં કહ્યું કે આ યોજના અંતર્ગત તેઓને સમયસર આર્થિક સહાય મળી છે અને તેઓ ખુબજ ઓછા સમયમાં પોતાનું સ્વપ્નનું પાક્કું ઘર રહેવા માટે મળ્યું.

બીજી તરફ શહેરના પથ્થર ગેટ વિસ્તારમાં રહેતા મિતેશભાઈ બુમિયાએ જણાવ્યું કે તેઓનું ઘર પીઢ- પાટી વાળું અત્યંત જૂનું હતું અને ગમે ત્યારે પડી જાય તેવી ભયજનક સ્થિતિમાં હતું. ચોમાસામાં વરસાદ પડે ત્યારે બહાર કરતા વધારે પાણી ઘરમાં વહેતું અને પરિવાર મુશ્કેલીમાં મુકાતો. તેઓ પાનનો ગલ્લો ચલાવીને  ગુજરાન ચલાવે છે.

તેઓએ જણાવ્યું કે આ યોજના વિશે તમામ સરકારી જિલ્લા પદાધિકારીઓ  યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમજ ખુબજ ઓછા સમયમાં તેમના ઘરના પાયા  પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નખાયા છે. તે સાથે જણાવ્યું કે સરકાર શ્રી દ્વારા તેઓનું ઘર દર્શાવેલ સમયમાં બની જાય તે અંગેની પણ તકેદારી રાખવામાં આવી હતી.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી બન્ને ક્ષેત્રે ‘હાઉસિંગ ફોર ઓલ’ અંતર્ગત પ્રધાનમંત્રીની દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે તેવી યોજના ખુબજ કલ્યાણ કરી નીવડી છે અને જીવનની ખુબજ પાયાની જરૂરિયાત એવી સુરક્ષિત છત અને સુરક્ષા પ્રદાન કરનારી બની છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers