Western Times News

Latest News from Gujarat India

વડાપ્રધાન સવારે ૬.૪૦ કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે;

File

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ‘માનવતા માટે યોગ’

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કિશનરાવ કરાડની પ્રેરક ઉપસ્થિતિ

વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity)ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે, જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહેશે. સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં ૭૫૦૦થી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી શ્રી સવારે ૬.૩૦ કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.

દેશભરમાં ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે દિલ્હીથી વર્ચ્યુઅલી દેશવાસીઓને  સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી,

કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજયના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં ૧૮ જેટલાં ઐતહાસિક સ્થળો, ૧૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૨૨ જેટલાં પ્રવાસન સ્થળો, ૧૭ જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.

આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજયભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજયમંત્રી મંડળનાસભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે.

રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે.  -દિલીપ ગજજર

Copyright © All rights reserved. | Developed by Aneri Developers