Western Times News

Latest News from Gujarat India

વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છેઃ- મુખ્યમંત્રી 

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ અને સૌહાર્દપૂર્ણ બને તથા ‘પોલીસની પ્રજાના મિત્ર’ તરીકેની ભાવના જનમાનસમાં જાગે તે અંગે એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન-મંથન

એરિયા એડોપ્શન સ્કીમથી ટ્રાફિકના પ્રશ્નોના લોક સહયોગથી સ્થાનિક ઉકેલો મેળવી શકાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વાણી, વર્તન અને વ્યવહારમાં કર્મયોગ ભાવથી ફરજરત પોલીસ દળની ગરિમાને વધુ ઉંચાઇએ લઇ જવી છે, પોલીસ જવાનનો પિપલ ફ્રેન્ડલી એપ્રોચ હંમેશા લોકોની પ્રશંસા મેળવતો હોય છે અને સારા કાર્યોની છાપ જનમાનસમાં કાયમ રહેતી હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેંટ, કાયદા-નિયમો,  બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો પર તાલીમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર ‘પહેલ’નું આયોજન કર્યું હતું.

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ, સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે, પ્રજા માટે, પ્રજા પડખે છે” તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાતો, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરશે.

મુખ્યમંત્રીશ્રીએ ‘પહેલ’ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગાયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે ઘડેલી ‘એરીયા એડોપ્શન સ્કીમ’ લોન્ચ કરી હતી. આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે. આ એરિયા એડોપ્શન સ્કીમ શરૂ થવાથી જે-તે સ્થાનિક વિસ્તારના જનસહયોગ અને સૂચનોથી ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે.

મુખ્યમંત્રીશ્રીએ  ‘પહેલ’ સેમિનારમાં વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી કામ કરવાની જે દિશા આપી છે, તે દિશામાં પોલીસ વિભાગે ‘પહેલ’ સેમિનાર અને ‘એરિયા એડોપ્શન સ્કિમ’થી વધુ એક કદમ ભર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ નાનામાં નાના માનવીથી લઈને સૌ કોઇના સન્માનને મહત્વપૂર્ણ ગણાવી પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માનસભર વ્યવહાર ખૂબ આવશ્યક હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, નીતિ-નિયમો અને કાયદા પાલનમાં પોલીસની કડકાઇ સરાહનીય છે અને સરવાળે તો સમાજજીવનના ભલા માટે, સારા માટે જ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સમસ્યાના પાયામાં જઈને તેને ઉકેલવામાં આવે તો પ્રયાસો સફળ થતાં હોય છે અને સારાં પરિણામો મળતાં હોય છે. પોલીસ માનવીય સંવેદના સાથે આવા પ્રયાસો કરતી રહી છે તે પણ પ્રસંશનીય છે.

કોરોનાકાળમાં પોલીસકર્મીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્મચારીઓને કર્મયોગી બનવાની શીખ આપી છે તેમાંથી સૌ પોલીસ જવાનોએ પ્રેરણા લઇ કોરોના જેવા કપરા કાળમાં પણ હસતાં મોં એ સેવા કરી છે.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમારે જણાવ્યું હતું કે, એરિયા એડોપ્શન સ્કિમમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ કદમથી કદમ મિલાવીને પોલીસ વિભાગને પૂરેપૂરો સહકાર આપશે. અમદાવાદ પોલીસ, સ્થાનિક લોકો અને જનપ્રતિનિધીઓ એકસાથે બેસીને ટ્રાફિક સમસ્યાઓ પર પરામર્શ કરી અને તેના ઉકેલ લાવશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવે પહેલ અને આસ (AAS) સ્કિમનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ૧૫,૦૦૦ પોલીસકર્મીઓને આગામી ૩ મહિના દરમિયાન વિવિધ વિષય નિષ્ણાતો,  મનોચિકિત્સકો, પત્રકારો, વકીલો દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ અને વ્યવસ્થાપન બાબતે દાયકાઓથી સક્રિય રહેલા મહાનુભાવોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.

‘પહેલ’ સેમિનારના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી લોચન સહેરા, અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ગૌતમ પરમાર (IPS), સંયુક્ત પોલીસ કમિશ્નર વહીવટ વિભાગ શ્રી અજય ચૌધરી, અધિક પોલીસ કમિશ્નર (ક્રાઈમ) શ્રી પ્રેમવીરસિંહ, ક્રેડાઈ અમદાવાદ અને ગાયહેડના પ્રમુખ શ્રી તેજસ જોશી,  ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના સેક્રેટરી શ્રી વિરલ શાહ, ક્રેડાઈના રાષ્ટ્રીય પદાધિકારી શ્રી શેખરભાઈ  પટેલ તેમજ અમદાવાદ શહેર પોલીસના સિનિયર અધિકારીશ્રીઓ તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers