Western Times News

Gujarati News

દેવગઢબારિયા નગરમાં વાઇફાઇ ફ્રીમાં આપવાની યોજનામાં ખર્ચેલા નાણા તત્કાલીન પ્રમુખ પાસેથી વસૂલ કરવાનો હુકમ

રૂપિયા ૩૫ લાખનું આંધણ મૂક્યા બાદ ઠરાવ રદ કરાતા 
નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીના લીધે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મળતી સેવાઓથી નગરજનો વંચિત.
દેવગઢ બારિયા :-
 દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરપાલિકામાં નગરની જનતા સેવા કરવા માટે ચૂંટીને મોકલેલા સભ્યોએ માત્ર મેવા ખાવાનું જ કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. દેવગઢબારિયાની જનતાને મફતમાં ઇન્ટરનેટ સેવા મળે તેમજ સુરક્ષા હેતુ અંતર્ગત સી.સી.ટીવી કેમેરા મૂકી શકાય તે માટે સરકારના ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત દેવગઢબારીયા નગરપાલિકામાં તત્કાલીન પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી તે યોજનાને સર્વાનુમતે મંજૂર કરી તે માટેનો ખર્ચ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરવાનો ઠરાવ થયો હતો અને તે માટે શહેરમાં ટાવરો ઉભા કરી લાઈનો પણ ખેંચી લેવામાં આવી હતી અને આ કામમાં રૂપિયા ૩૫ લાખનો ખર્ચ થયા બાદ તત્કાલીન પ્રમુખએ કોઈ કારણસર તે યોજનાને રદ કરવાનો શેખચલ્લી જેવો નિર્ણય લેતા

તે કામ અટકી જતા સરકારી નાણાંનો દુર્વ્યય થયેલ જણાતા ગુજરાતમાં ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરેલ રકમ સંબંધિત પાસેથી વસૂલ કરવા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા દ્વારા હુકમ કરાતા બારીયા પાલિકામાં ખડાત મચી જવા પામ્યો છે. વર્ષ ૨૦૧૭ માં દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ પદે ડોક્ટર ચાર્મી સોનિ હતા તે સમયે તારીખ ૨૪.૫.૨૦૧૭ ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં વાઇફાઇ ઝોન માટે ઠરાવની સર્વાનુમતે મંજુરી મેળવી હતી. તેમજ તે માટે ૩૬ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ટાવર ઉભા કરી લાઈનો પણ ખેંચવામાં આવી હતી. જેમાં કુલ ખર્ચ ૩૫ લાખ જેટલો થયો હતો. આ કામગીરી હાલ સરકારના ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પ્રજાને ફ્રી ઇન્ટરનેટ સેવા મળે તેમજ સુરક્ષા હેતુ સી.સી.ટીવી કેમેરા મૂકી શકાય તે હેતુથી ચાલુ કરવામાં આવી હતી. જેમાં વાર્ષિક ખર્ચ રૂપિયા છ(૬) લાખનો થાય છે. જે વાઇફાઇ ઝોનના જુલાઈ માસમાં બી.એસ.એન.એલમાં રૂ.૨,૬૬,૦૦૦/ની રકમ ભરવાની હતી હતી. પરંતુ ૧૧.૭.૨૦૧૮ ના રોજ મળેલ સામાન્ય સભામાં આ બાબતે ચર્ચા થઈ હતી અને વાઇફાઇ ઝોન રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર દેવગઢ બારીયાએ સદર ઠરાવ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૨૫૮ રીવ્યુમાં લેવા અપીલ અરજી રજૂ કરી હતી.

જે અપીલ અરજી દાખલ કરી પક્ષકારોને ધોરણસરની નોટિસ કાઢી અત્યાર સુધીમાં પંદર વખત રૂબરૂ સુનાવણીયો રાખવામાં આવી હતી. જેમાં તારીખ ૧૬.૯.૨૦૨૦ ની સુનાવણીમાં નવા પ્રમુખની નિમણૂક હોય જવાબ રજૂ કરવા મુદત આપવા માંગણી કરવામાં આવી હતી. તેથી તે માંગણી મંજુર કરી ત્રણ વખત રૂબરૂ સુનાવણી રાખવામાં આવી હતી. પરંતુ તેમાંય કોઈ હાજર ન રહેતા સદર કેસ ૨૦૧૮ નો હોય હવે વધુ મુદત આપવી યોગ્ય ન જણાતા વાદી પ્રતિવાદીને આ કામે જે કહેવું હોય તે દિન સાતમા લેખિતમાં મોકલી આપવા જાણ કરવા કોર્ટે સૂચના આપી કેસ ઠરાવ પર લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દેવગઢબારીયાના ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં રજૂઆત મોકલી આપવામાં આવી હતી. જ્યારે પ્રમુખ દક્ષાબેન નાથાણી દ્વારા આજ દિન સુધી કોઇ રજૂઆત કરવામાં આવેલ નથી. જેથી ન્યાયના હિતમાં ગુજરાત ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરેલ નાણા સંબંધિત પાસેથી વસૂલ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરાના ડૉક્ટર હર્ષિત ગોસાવી દ્વારા ફરમાવવામાં આવતા દેવગઢબારીયા નગરપાલિકામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

તસ્વીર :- બંધ હાલતમાં પડેલ ફ્રી વાઈ ફાઈ ઝોનના ટાવર નજરે પડે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.