Western Times News

Gujarati News

ઝધડીયા જીઆઈડીસીમાં સ્થાનિક બાળ મજૂરો પાસે લેવાય છે કામ

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસીમાં તથા તાલુકામાં અન્ય જગ્યાએ આવેલ ઉદ્યોગોમાં ખૂબ મોટા પાયે લેબર કોન્ટ્રાક્ટમાં સ્થાનિક તેમજ પરપ્રાંતિય મજૂરો કામ કરતા હોય છે.ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગોમાં પણ આડેધડ લેબર કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે.લેબર કોન્ટ્રાક્ટર દ્વારા લેબરની પૂરતી માહિતી લેવામાં નહીં આવતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ! ઝધડિયા જીઆઈડીસીમાં બનતા નાના મોટા ગુનાઓમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી છતી થતી હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની હતી.પરપ્રાંતીય કેટલાય ગુનેગારો પણ અહીં કામ કરતા હોવાની ઘટનાઓ બહાર આવી છે,

સાથે સાથે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા સગીર વયના યુવાનો, યુવતીઓને બાળ મજૂર તરીકે કામ કરવામાં આવે છે.ઝઘડીયા જીઆઈડીસી તેમજ તાલુકામાં આવેલ અન્ય કંપનીઓમાં પેકિંગ વિભાગમાં, સાફ સફાઈના કામમાં તેમજ ઘણા બધા હળવા કામોમાં બાળ મજૂરોની કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી કરી કામ કરાવવામાં આવે છે.આ બાબતે લેબર કોન્ટ્રાક્ટ અને જે તે ઉદ્યોગ દ્વારા પણ કોન્ટ્રાક્ટ માં કામ કરવા આવતા કામદારોની કોઈ ચકાસણી કે માહિતી લેવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા જે લેબરો મોકલવામાં આવે તે કંપનીમાં કામ કરતા હોય છે.આ બાબતે બાળ મજૂર નિયંત્રણ વિભાગ પણ હાથ પર હાથ ધરીને બેસી રહેતું હોય

તે સ્પષ્ટ પણે જણાય છે.ઝઘડિયા નાયબ કલેકટર, ઝઘડીયા મામલતદાર,ઝઘડિયા પોલીસ મથકના અધિકારીઓ પણ અવારનવાર કંપનીઓમાં ચકાસણી અર્થે જતા હોય છે તો આ અધિકારીઓ કંપનીમાં શું ચકાસે છે તેની સામે પ્રશ્ન ઊભો થાય છે ! ઝધડિયા જીઆઈડીસીની કંપનીઓમાં બાળમજૂરોની તપાસ ચકાસણી કરવામાં આવે તો કેટલાક બેદરકાર લેભાગુ લેબર કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય સકંજો કસી શકાય એમ છે.પરંતુ અહીં તો જવાબદાર તંત્ર જ ઉદ્યોગ સાથે ભેગું થઈ જાય છે

જે કંઈક ગેરરીતિ ચાલતી હોય તેમાં યેનકેન પ્રકારે સમાધાનનું વલણ અપનાવી જેતે ઘટનાને રફેદફે કરવામાં આવતું હોવાનું અસંખ્ય વખત બહાર આવ્યું છે. જેથી ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગો તથા તેમના લેબર કોન્ટ્રાક્ટરોને છુટો દોર મળી રહ્યો છે. જીઆઈડીસીમાં લૂંટની ઘટનાના આરોપી બાળ મજૂરો હતા.
ગત નવેમ્બર માસમાં ઝઘડીયા જીઆઈડીસીમાં કામ પરથી પરત ફરતા પરપ્રાંતિય મજૂરોને ચાર જેટલા લબરમૂછીયા યુવાનોએ અટકાવી ચપ્પુ ની અણીએ લૂંટ ચલાવી હતી.ભરૂચ જીલ્લા એલસીબી દ્વારા લૂંટના લબરમૂછિયા લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તે દરમ્યાન લૂંટની ગુનાના સંડોવાયેલાની પૂછપરછ કરતા તે પૈકી કેટલાક ઝગડિયા જીઆઈડીસીની કે.એલ.જે ઓર્ગેનિક્સ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરની અંદર મજૂરી કરતા હતા તેમ તપાસ દરમ્યાન બહાર આવ્યુ હતુ.આ બાબતે ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાના તમામ અધિકારીઓ વાકેફ થયા હતા તેમ છતાં કે.એલ.જે ઓર્ગેનિક સામે શું પગલા ભરાયા તે હજુ સુધી બહાર આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.