Western Times News

Gujarati News

આશ્રમ પાસે રોડ પરથી દાહોદ એલ.સી.બી પોલીસ ૨.૧૦ લાખ દારૂ સાથે બોલેરો ગાડી પકડી પાડી

દાહોદ: મધ્યપ્રદેશથી વિદેશી દારૂની ગુજરાતમાં ગેરકાયદેસર હેરાફેરીની છેલ્લા કેટલાય સમયથી ચાલતી પ્રવૃત્તિ હજીએ પૂરજોશમાં ચાલી રહી છે. તેવા સમયે દાહોદ એલ.સી.બી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના નગરાળા આશ્રમ પાસે રોડ પર નાકાબંધી ગોઠવી એલ.સી.બી પોલીસે રૂપિયા ૨.૧૦ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે બોલેરો ગાડી પકડી પાડી રૂપિયા ત્રણ લાખની ગાડી સહિત રૂપિયા પાંચ લાખ દસ હજાર (રૂ.૫,૧૦,૭૨૦) નો  મુદ્દામાલ કબજે લઇ દાહોદ તાલુકા પોલીસને સુપરત કર્યો હતો.

આમ દાહોદ એલ.સી.બી પોલીસને માત્ર એક જ અઠવાડિયામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી કુલ રૂપિયા ૬.૩૨ લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર પ્રોહી અંગેની દાહોદ એલ.સી.બી પોલીસને મળેલી બાતમીના આધારે દાહોદ એલ.સી.બી, પી.આઈ, બી.ડી શાહ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મચારીઓ ગત મોડી રાતના દાહોદ તાલુકાના નગરાળા ગામે આશ્રમ પાસે રોડ પર નાકાબંધી કરી પોતાના શિકારની રાહ જોતા ઉભા હતા. તે દરમિયાન મોડી રાતના સવા બે વાગ્યાના સુમારે પોલીસની ગાડી ની લાઈટ જોઈ સામેથી આવી રહેલી બાતમી માં દર્શાવેલ જીજે.૦૩.ડીજી.૮૨૫૮ નંબરની બોલેરો ગાડીનો ચાલક પોતાના કબજાની બોલેરો ગાડી રોડ પર મૂકી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.

એલ.સી.બી પોલીસે બોલેરો ગાડી નગરાળા પાસે રોડ પરથી બિનવારસી હાલતમાં કબજે લઇ ગાડીની તલાશી લઈ ગાડીમાંથી રૂ. ૨,૧૦,૭૨૦/- ની કિંમતનો વિદેશી દારૂ તથા બીયરની બોટલ નંગ ૧,૬૩૨ ભરેલ પેટીઓ નંગ ૩૬ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂ. ૫,૧૦,૭૨૦/- નો મુદ્દામાલ કબજે લઇ દાહોદ તાલુકા પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતા દાહોદ તાલુકા પોલીસે આ સંદર્ભે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે દાહોદ મુખ્ય કેન્દ્ર મનાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂ દાહોદ થઈને જ ગુજરાતમાં અન્યત્ર જતો હોય છે દાહોદમાં રખાયેલા ચિંતાના વિદેશી દારૂ આસાનીથી ગુજરાતમાં પ્રવેશે છે એમાંય વળી ૧૦ ગાડીઓમાંથી એકાદ ગાડી પકડવામાં આવતી હોવાની ચર્ચાઓ છે. રાજ્યમાં કોઈપણ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી પોલીસ એક લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ પકડેતો તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ નિયમના આધારે કેટલાય પોલીસ અધિકારીને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગત રાતે દાહોદ એલ.સી.બી પોલીસે રૂ.૨.૧૦ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ તથા બિયર નો જથ્થો પકડયો છે. તો તાલુકા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સામે સસ્પેન્શનના પગલાં લેવાશે ખરા ?

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.